દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચી ગયેલા ફુગાવાના દરને અંકુશમાં લેવા માટે કેન્દ્ર સરકાર હરકતમાં આવી હોય તેમ મોંઘવારીને કાબુમાં લેવા માટે ધડાધડ પગલાંઓ લેવાનું શરૂ કર્યુ છે. છેલ્લા એક સપ્તાહમાં લેવામાં આવેલાં પગલાંને કારણે મોંઘવારી પર થોડો અંકુશ આવવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ પેટ્રોલ ડિઝલની એકસાઇઝ ડયુટીમાં મોટો ઘટાડો કરીને બન્ને ઇંધણના ભાવ ઘટાડવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્ટીલના નિકાસ પર એકસપોર્ટ ડયુટી લાદવાનો નિર્ણય કર્યા બાદ ગઇકાલે ખાદ્યતેલની આયાત ડયુટી દૂર કરવામાં આવી છે. જેને કારણે આસમાનને આંબેલા ખાદ્યતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. સરકારે લીધેલાં વિવિધ પગલાંઓને કારણે મોંઘવારી દરમાં 0.25 થી 0.50 સુધીના ઘટાડાની શકયતાઓ અર્થશાસ્ત્રીઓ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. સરકારના આ પગલાંને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીમાં થોડી રાહત મળવાની આશા જન્મી છે. આ ઉપરાંત ખાંડની નિકાસને પણ 1 જૂનથી પ્રતિબંધિત કરવામાં આવી છે જેને કારણે ખાંડના ભાવમાં પણ ઘટાડો થશે.
કેન્દ્ર સરકારે મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. સરકારે ક્રૂડ સોયાબીન અને સનફલાવર ઓઈલની આયાતને માર્ચ 2024 સુધી ડ્યુટી ફ્રી કરી છે. આ સિવાય તેમની આયાત પર કૃષિ સેસ પણ લાગુ થશે નહીં. સરકારનો આ નિર્ણય 24 મેની મધરાતથી લાગુ થઈ ગયો છે.
નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24માં દર વર્ષે 20 લાખ ટન કરોડ સોયાબીન અને સનફલાવર ઓઈલની આયાત પર કોઈ ડ્યુટી નહીં લાગે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સએ ટ્વિટ કર્યું છે કે આ પગલું મોંઘવારી પર અંકુશ લગાવશે અને સામાન્ય માણસને રાહત આપશે. ભારત તેની જરૂરિયાતના 60 ટકા ખાદ્ય તેલની આયાત કરે છે. ફુગાવામાં ખાદ્ય તેલનો મોટો ફાળો છે અને છેલ્લા ત્રણ મહિનામાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં 15 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
સરકારે ખાંડની નિકાસને પણ આગામી 1 જૂનથી પ્રતિબંધિત કરી છે. વર્તમાન ખાંડની સિઝન 2021-22 (ઓક્ટોબર-સપ્ટેમ્બર)માં અત્યાર સુધીમાં 75 લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી છે અને તે 100 લાખ ટન સુધી મર્યાદિત રહી શકે છે. હાલમાં ખાંડની છૂટક કિમત 41.50 રૂપિયા પ્રતિ કિલો છે, જે આગામી કેટલાક મહિનામાં વધીને 40-43 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે. નિકાસ વધવાથી આ કિંમત વધુ વધી શકે છે. છૂટક ફુગાવાના માપનમાં કાપડનો પણ સમાવેશ થાય છે, તેથી કપડાના ભાવને નિયંત્રિત કરવા માટે, સરકાર કપાસની આયાત ડ્યુટી ફ્રી કરી શકે છે જેથી સ્થાનિક કપડા ઉત્પાદકોને સુતરાઉ યાર્ન સસ્તા દરે મળી શકે.
તાજેતરના ભૂતકાળમાં નિકાસમાં વધારાને કારણે કપાસના ભાવમાં સતત વધારો થયો છે. બે ક્વાર્ટર પહેલા સ્થાનિક બજારમાં કપાસનો ભાવ રૂ. 55,000 પ્રતિ કેન્ડી (356 કિગ્રા) હતો, જે હવે પ્રતિ કેન્ડી રૂ. 1.10 લાખને સ્પર્શી ગયો છે. જો કપાસનો પુરવઠો ઓછો હોય તો આ ભાવ પ્રતિ કેન્ડી 1.25 લાખ રૂપિયા સુધી જઈ શકે છે. કાપડ મંત્રાલયે નાણા મંત્રાલયને કપાસની આયાત ડ્યુટી ફ્રી કરવાની ભલામણ કરી છે.