જામનગર મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલી યુનિયન બેંકમાં ફરજ બજાવતા મેનેજરે બે વર્ષ પૂર્વે શખ્સ સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરુ રચી બોગસ પેઢીના નામના કોટેશન બનાવી ખાતેદારોના નામે રૂા.69,65,000 ની ઉચાપાત કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગરમાં મહાનગરપાલિકામાં આવેલી યુનિયન બેંકની શાખાના મેનેજર દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ તેમની ફરજ દરમિયાન ઓગસ્ટ 2020 થી આજ દિવસ સુધીમાં હોદ્દાનો દૂરપયોગ કરી દર્શન હસમુખ મણિયાર નામના શખ્સ સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરુ રચી દર્શનના નામની પેઢીનું ખોટું કોટેશન બનાવી અને અસંખ્ય ખાતેદારોના નામે રૂા.74,25,000 ની લોન મંજૂર કરાવી હતી અને આ મંજૂર થયેલી લોન પૈકીના રૂા.4,60,000 જે-તે ખાતેદારોને ચૂકવી દીધા હતાં અને બાકી રહેલા રૂા.69,65,000 ની માતબરની ઉચાપાત કરી વિશ્ર્વાસઘાત કર્યો હતો. બેંકના અસંખ્ય ખાતેદારોના નામે લોન લઇ લાખોની ઉચાપાત આચર્યાની જાણ થતા ખાતેદાર જયેશભાઈ ઈન્દુલાલ મણિયાર નામના નિવૃત્ત પ્રૌઢ દ્વારા આ અંગેની જાણ કરતા પોલીસે બેંક મેનેજર દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને દર્શન હસમુખ મણિયાર નામના બે શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચી લાખોની ઉચાપાત કર્યાની ફરિયાદ નોંધી હતી.
તેમજ સાઈબર ક્રાઈમ પીઆઇ પી.પી.ઝા તથા સ્ટાફે લાખોના કૌભાંડની તપાસ આરંભી દસ્તાવેજો મેળવવા તથા જે ખાતેદારોના નામે લોન લઇ ઉચાપાત કરી છે તેવા ભોગ બનનાર ખાતેદારોના નિવેદનો મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી અને બેંક મેનેજરે બે વર્ષ દરમિયાન કેવી રીતે લાખોનું કૌભાંડ આચર્યુ તે અંગેની તથા બેંક મેનેજર અને અન્ય શખ્સની ધરપકડ માટે તપાસ આરંભી હતી.