Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયા નજીક ઘાંસની આડમાં છુપાવીને રાખવામાં આવેલો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

ખંભાળિયા નજીક ઘાંસની આડમાં છુપાવીને રાખવામાં આવેલો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો

વિદેશી દારૂની 193 પેટી કબ્જે: રૂા. 14.87 લાખનો મુદ્દામાલ કબ્જે: બુટલેગર ફરાર

- Advertisement -

ખંભાળિયા – જામનગર રોડ પર સોઢા તરઘરી ગામે એક આસામીના રહેણાંક પાસે રહેલા એક ટેમ્પોમાં પોલીસે ચેકિંગ કરતા આ ટેમ્પામાંથી રૂા.10.87 લાખની કિંમતની 193 પેટી વિદેશી દારૂનો જથ્થો સાંપડ્યો હતો. ઘાંસ તથા મકાઈની આડમાં છુપાવીને રાખવામાં આવેલો દારૂનો આ તોતિંગ જથ્થો મૂકી જનારા બુટલેગરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના સોઢા તરઘરી ગામે રહેતા શિવુભા જીલુભા જાડેજાના રહેણાંક મકાન પાસે ગત મોડી સાંજે પોલીસ સ્ટાફે ચેકિંગ કાર્યવાહી કરી, આ સ્થળે રહેલા જીજે-12-વી-6575 નંબરના ટાટા 407 ટેમ્પોને ઢાંકીને રાખવામાં આવેલી તાલપત્રી ઊંચકાવીને જોતા પ્રથમ તો અહીં ઘાસ તથા લીલી મકાઈ જોવા મળી હતી. જેને બહાર કાઢી, અને જોતાં તેની નીચેથી રોયલ ચેલેન્જ અને મેકડોનવેલ નંબર વન નામની વિદેશી દારૂની પેટીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. આથી આ ટેમ્પોને પોલીસે ડ્રાઇવર મારફતે ખંભાળિયાના પોલીસ મથકમાં લાવી, ચેકીંગ કરતા તેમાંથી 193 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં કુલ રૂા. 8,04,000 ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હિસ્કીની 1608 બોટલ તથા રૂા. 2,83,200 ની કિંમતની 708 બોટલ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂ ભરીને રાખવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

આમ, કુલ રૂા. 10,87,200 ની કિંમતની 2,316 બાટલી વિદેશી દારૂ તથા રૂપિયા ચાર લાખની કિંમતના ટેમ્પો મળી કુલ રૂા. 14,87,200 નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે પ્રોહીબીશન એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

સોઢા તરઘરી ગામે સ્થાનિક આસામીઓની પૂછપરછમાં દારૂનો આ જથ્થો આ ગામમાં રહેતા એક આસામીના સંબંધી અને જામનગરમાં રણજીતસાગર રોડ ઉપર આલાપ સોસાયટી ખાતે રહેતા મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા મૂકી ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આથી પોલીસે આ દારુ પ્રકરણમાં મયુરસિંહ ગુમાનસિંહ જાડેજા (રહે. જામનગર) ને હાલ ફરારી ગણી, મયુરસિંહ તથા અન્ય સંડોવાયેલા મનાતા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular