Monday, December 23, 2024
Homeરાજ્યદ્વારકામાં પત્નીની હત્યા કરી પતિએ એસિડ ગટગટાવ્યું

દ્વારકામાં પત્નીની હત્યા કરી પતિએ એસિડ ગટગટાવ્યું

ઘર કંકાસનો કરૂણ અંજામ : પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં રવિવારે બપોરે હિન્દુ વાઘેર પરિવારના એક આધેડે પોતાના પત્નીને કુહાડાનો ઘા ઝીંકી અને નિર્મમ હત્યા નીપજાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની ઉપર હુમલો કરી, પતિએ એસિડ પી લેતાં તેને વધુ સારવાર માટે ખંભાળિયા ખસેડાયો હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકાના રુક્ષ્મણી ગેઈટ વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટી ખાતે રહેતા લખમણભા કરમણભા સુમણીયા નામના આશરે 50 વર્ષના આધેડને તેમના પત્ની સંતોકબેન (ઉ.વ. 48) સાથે અવારનવાર બોલાચાલી થતી હતી. લખમણભા કંઈ કામ ધંધો કરતા ન હતા. જેથી તેમના પત્ની સંતોકબેન નગરપાલિકામાં ખાનગી નોકરી કરતા હોય, લખમણભાને આ બાબત પસંદ ન હોવાથી અવારનવાર ઝઘડો થતો હતો. આ વચ્ચે લખમણભાએ સંતોકબેન પાસેથી પૈસાની માગણી કરી, ઝઘડો પણ કર્યો હતો.

દંપતી વચ્ચે ચાલી રહેલા ઘર કંકાસે રવિવારે બપોરે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સંતોકબેનના પતિ લખમણભાના માથા ઉપર કાળ સવાર થઈ જતા બપોરે આશરે અઢી વાગ્યાના સમયે તેણે પોતાના હાથમાં કુહાડો લીધો હતો અને પોતાના પત્ની સંતોકબેનના માથામાં ઝીંકી દીધો હતો.

- Advertisement -

આ હુમલાના કારણે લોહી લુહાણ હાલતમાં મૂર્છિત બનેલા સંતોકબેનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પરિસ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખંભાળિયા લઇ જવાતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્ર્વાસ ખેંચતા હતા.

આ પછી લખમણભાએ પણ પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતા તેમને સ્થાનિક હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દંપતીનો લગ્નગાળો આશરે 28 વર્ષનો હતો અને લગ્નજીવન દરમિયાન હાલ તેમને પાંચ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે. જે પૈકી એક પુત્ર તથા એક પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. આ સમગ્ર બનાવ અંગે ટી.વી. સ્ટેશન વિસ્તારમાં અલગ રહેતા મૃતકના પુત્ર જગદીશભા લખમણભા સુમણીયા (ઉ.વ. 27) એ પોતાના પિતા સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જેના અનુસંધાને પોલીસે મનુષ્ય વધની કલમ 302 વિગેરે મુજબ ગુનો નોંધી દ્વારકાના પી.આઈ. પી.એ. પરમાર તથા સ્ટાફ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી છે. આ બનાવે દ્વારકા પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular