જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ રૂા. 3.14 કરોડના જુદા જુદા વિકાસ કામોને મંજૂરી આપી છે. જેમાં રૂા. 93 લાખના ખર્ચે શહેરના અલગ અલગ છ વોર્ડમાં નંદઘર બનાવવા તથા સીટી બસ માટે 86 લાખનું ભંડોળ રાખવાનો સમાવેશ થાય છે.
ચેરમેન મનિષ કટારીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના જુદા જુદા વોર્ડમાં ભૂગર્ભ ગટરના વિસ્તૃતિકરણ અને મજબૂતિકરણ, ગાર્ડનના વિકાસ, જુદા જુદા વોર્ડમાં સિમેન્ટ રોડ મરામત, શહેરના રણમલ તળાવ, એમ્યુઝમેન્ટ પાર્ક, લાખોટા મ્યુઝિયમમાં જરૂરિયાત મુજબના સિવિલ કામ માટે કુલ રૂા. 3.14 કરોડના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. શહેના વોર્ડ નં. 11ના રામવાડી શેરી નં. 5માં આહિર સમાજ પાછળ 4.20 લાખના ખર્ચે સિમેન્ટ રોડ બનાવામાં આવશે. આજે યોજાયેલી બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપન પરમાર, કમિશનર વિજય ખરાડી, ડે.કમિશનર વસ્તાણી તથા જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.