જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ સતત ઘટતું જાય છે. પરંતુ સંક્રમણ ઘટવાની સાથે મૃત્યુનું પ્રમાણ જોઇએ તેટલાં પ્રમાણમાં ઘટતું નથી તે એક ગંભીર બાબત છે. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીની ત્રીજી લહેર અંતિમ તબકકામાં પહોંચવાથી રાહત અનુભવાઈ રહી છે. છેલ્લાં 24 કલાક દરમિયાન હાલારમાં કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 36 દર્દીઓ સ્વસ્થ થયા હતાં અને દ્વારકા જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું હતું.
છેલ્લાં ઘણાં સમયથી વિશ્વને મહામરીના ભરડે લેનાર કોરોનાની ત્રીજી લહેર હવે ધીમે-ધીમે રાહતરૂપી ઘટી રહી છે અને તેના અંતિમ તબક્કામાં પહોંચવા તરફ જઈ રહી છે આ મહામારીની બીજી લહેરમાં લાખો લોકોના ભોગ લેવાયા છે અને કરોડો લોકો સંક્રમિત થયા હતાં. ત્યારબાદ કોરોનાની ત્રીજી લહેર પણ ભારત સહિત સમગ્ર વિશ્ર્વમાં સતત ચિંતાજનક રીતે વધી રહી હતી અને મૃત્યુઆંક પણ વધવા લાગ્યો હતો. પરંતુ છેલ્લાં થોડાક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો થતા લોકોમાં ભય ઓછો થયો છે અને રાહત અનુભવાઈ છે. પરંતુ કોરોનાથી થતા મૃત્યુનો આંકડો ઘટતો નથી. રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટવાથી સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈનમાં પણ વધુ છૂટછાટો આપવામાં આવી રહી છે. જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન કુલ 13 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જેમાં શહેરમાં સાત અને ગ્રામ્યમાં છ દર્દી ઉમેરાયા હતાં. જ્યારે શહેરમાં 19 અને ગ્રામ્યમાંથી 13 દર્દી સાજા થતા કુલ 32 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે દ્વારકા તાલુકાના ચાર તથા ખંભાળિયા તાલુકાનો એક મળી, કુલ પાંચ નવા કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જ્યારે કલ્યાણપુરના સાત તથા દ્વારકા તથા ભાણવડના ત્રણ- ત્રણ અને ખંભાળિયાના એક સહિત કુલ 14 દર્દીઓ સ્વસ્થ થયા છે. ખંભાળિયાના એક કોરોના સંક્રમિત દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું ગઈકાલેની આરોગ્ય વિભાગની યાદીમાં જાહેર થયું છે.