અમેરિકાની મેરીલેન્ડ હોસ્પિટલના ડોક્ટરોએ એક દર્દીનો જીવ બચાવવા માટે ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે, જે વિશ્વમાં પ્રથમ વખત બન્યું છે. સોમવારે ડોક્ટરોએ જણાવ્યું કે ટ્રાન્સપ્લાન્ટના ત્રણ દિવસ બાદ વ્યક્તિની હાલત ઠીક છે. જો કે હજુ સુધી તે જાણી શકાયું નથી કે આ પ્રયોગ કેટલો સફળ થશે.
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ‘ઐતિહાસિક’ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ’ શુક્રવારે કરવામાં આવ્યું હતું. પ્રાણીના હૃદયનું મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક સીમાચિહનરૂપ સાબિત થશે. મેરીલેન્ડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટ નામના દર્દીને ઘણી ગંભીર બીમારીઓ હતી. હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તેમને યોગ્ય માનવામાં આવતા ન હોતા. બેનેટે સર્જરીના આગલા દિવસે કહ્યું હતું કે હું જાણું છું કે આ રીતે હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવું એ અંધારામાં તીર મારવા જેવું છે, પરંતુ ટ્રાન્સપ્લાન્ટ કરવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નથી.
ટ્રાન્સપ્લાન્ટ પછી ડેવિડ બેનેટ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. તેમના શરીરમાં નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યુ છે, તેના પર અમેરિકાના ડોકટરો નજર રાખી રહ્યા છે. યુએનઓએસના ચીફ મેડિકલ ઓફિસર ડો. ડેવિડ ક્લાસને મેરીલેન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિશે જણાવ્યું હતું કે મને લાગે છે કે તેને વોટરશેડ ઇવેન્ટ તરીકે ઓળખી શકાય છે. અહેવાલો અનુસાર દાન કરાયેલા માનવ અંગોની ભારે અછત છે, જેના કારણે વૈજ્ઞાનિકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પ્રાણીઓના અંગોનો ઉપયોગ કેવી રીતે કરવો. આશરે 110,000 અમેરિકનો હાલમાં અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે 6,000થી વધુ દર્દીઓ એની ઊણપથી મૃત્યુ પામે છે.