સમગ્ર વિશ્ર્વની સાથે ભારતમાં પણ કોરોના સંક્રમણ ગીયર બદલી સ્પીડ વધારી છે. ત્યારે કોરોનાની આ સ્પીડ કોઇ ગંભીર અકસ્માત નોતરે તે પહેલાં જ સરકારે બુસ્ટર ડોઝની એરબેગ ખોલી નાખી છે. લોકોને કોરોનાની ગતિ સામે સુરક્ષા પ્રદાન કરવા માટે આજથી જામનગર સહિત દેશભરમાં ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર 60+ સિનિયર સિટીઝનોને વેક્સિનનો પ્રિકોશનરી (બુસ્ટર) ડોઝ આપવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,79,723 કેસ સામે આવ્યા છે. જયારે એકિટવ કેસનો આંકડો 7 લાખને પાર કરી ગયો છે. ગુજરાતમાં પણ સંક્રમણની સ્થિતિ ભયજનક સ્તરે પહોંચવા લાગી છે. દેશભરમાં કોરોના સંક્રમણનો પોઝિટીવીટી દર 13.25 ટકાના ભયજનક સ્તરે પહોંચી ગયો છે.
ભારતમાં કોરોના બેલગામ બન્યો હોય તે રીતે રોજેરોજ ડરામણા આંકડા સામે આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસના 24 કલાકમાં 1,79,723 કેસ સામે આવ્યા છે. જે અગાઉ કરતાં 12.6 ટકા વધુ છે. આ દરમિયાન 146 લોકોના જીવ ગયા છે અને 46569 લોકો સાજા પણ થયા છે. એટલું જ નહિ સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 44,388 આવ્યા છે. દેશમાં ગઇકાલે 13,52,717 સેમ્પલ ટેસ્ટ લેવાયા હતા. આ સાથે દેશમાં કુલ 69,15,75,352 સેમ્પલ ટેસ્ટ થઇ ચૂક્યા છે.
ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. કોવિડ-19ના નવા કેસમાં 12.5 ટકાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1.79 લાખથી વધુ નવા દર્દીઓ નોંધાયા છે. ફ્ક્ત 13 દિવસમાં કોવિડના દૈનિક કેસ 28 ગણા થઈ ગયા છે. 28 ડિસેમ્બરે 6,358 નવા કેસ નોંધાયા હતા.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ કોરોના વાયરસના નવા 1,79,723 કેસ નોધાયા છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા હવે 35,707,727 થઈ ગઈ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ દેશમાં 7,23,619 દર્દીઓ સારવાર હેઠળ છે. ડેઈલી પોઝિટિવિટી રેટ વધીને 13.29% થયો છે. કોરોનાને માત આપનારાની સંખ્યા 34,500,172 થઈ છે. એક દિવસમાં 46,569 લોકો કોરોનાથી રિકવર થયા છે.
કોરાનાથી છેલ્લા 24 કલાકમાં 146 લોકોએ જીવ ગુમાવ્યા. અત્યાર સુધીમાં 483,936 દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 4,033 થયા છે. કોરોનાના વધતા કેસ વચ્ચે આજથી દેશભરમાં પ્રીકોશન ડોઝ રસીકરણ શરૂ થઈ ગયું છે. આજે સવારે 9 વાગ્યાથી પ્રીકોશન ડોઝ દેશભરના સ્વાસ્થ્ય કર્મીઓ, ફન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ કે તેનાથી વધુ ઉમરના લોકોને આપવામાં આવી રહ્યો છે. જેમને કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યાને 9 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો હશે. તમામ ફન્ટલાઈન વર્કર્સ તથા હેલ્થકેર વર્કર્સ તથા 60 વર્ષ અને તેનાથી વધુ વયના લોકો કે જેઓ ગંભીર બીમારીથી પીડિત છે તેમના માટે કોવિડ-19 રસીના પ્રીકોશન ડોઝ માટે રજિસ્ટ્રેશન 8 જાન્યુઆરીથી શરૂ થઈ ચૂક્યું છે.
હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર અને 60 વર્ષથી ઉપરની ઉંમરવાળા ગંભીર બિમારીઓથી ગ્રસ્ત લોકો કોરોનાનો પ્રિકોશન ડોઝ લઈ શકે. તેમજ 60 વર્ષથી ઉપરના ઓછી ગંભીર બિમારીથી પીડિત વ્યકિતને પણ ડોઝ મળશે. બૂસ્ટર ડોઝ માટે પાત્ર તમામ વ્યકિતઓને બીજા અને ત્રીજા ડોઝની વચ્ચે 9 મહિના અથવા 39 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. પ્રિકોશનરી ડોઝ તરીકે આપવામાં આવનારી રસી પહેલા આપવામાં આવનારી રસી જ હશે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે મિશ્રિત રસી નહીં આપવામાં આવે. એટલે કે જો રસીના બન્ને ડોઝ કોવિશીલ્ડ છે તો તમને પ્રિકોશન ડોઝ તરીકે કોવિશીલ્ડ જ લાગશે. આવું બાકીની રસીમાં પણ રહેશે. પ્રિકોશન ડોઝ માટે ગંભીર રોગની શ્રેણીમાં હૃદય રોગથી સંબંધિક બિમારી ડાયબિટિસ, કિડની બિમારી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર અને અન્ય શરત સામેલ છે. રસીના બૂસ્ટર ડોઝથી કોરોના સામે વધારે સુરક્ષા મળશે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર, અને ગોવામાં ચૂંટણી ડ્યૂટી પર તૈનાત કર્મીઓને પણ ફ્રન્ટલાઈન વર્કર્સ ગણવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું કે પ્રીકોશન ડોઝ માટે એક કરોડથી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને એસએમએસ મોકલીને યાદ કરાવવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે એક અંદાજા મુજબ 1.05 કરોડ સ્વાસ્થ્ય કર્મીઓ, 1.9 કરોડ ફ્ન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉમરના અન્ય ગંભીર બીમારીઓથી પીડિત 2.75 કરોડ લોકોને કાર્યક્રમ મુજબ પ્રીકોશન ડોઝ આપવામાં આવશે. પ્રીકોશન ડોઝ અંગે કેન્દ્રોય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ માટે નવું રજિસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નથી. સીધી એપોઈન્ટમેન્ટ લઈ શકાય છે. એટલું જ રસીકરણ કેન્દ્ર ઉપર જઈને પણ રસી લઈ શકાય છે.