- Advertisement -
ખંભાળિયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા રાજેન્દ્રસિંહ મંગળસિંહ જાડેજાની 21 વર્ષીય પરિણીત પુત્રી નેહલબા રવિરાજસિંહ ઝાલાના લગ્ન થોડા સમય પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે રહેતા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સાથે થયા હતા. રવિરાજસિંહ દ્વારા અન્ય સ્ત્રી સાથે મિત્રતા હોવાની બાબત નેહલબાના ઘ્યાને આવતા તેણીએ પોતાના પતિના ફોનમાં અન્ય સ્ત્રી સાથેના ફોટા તેમજ રેકોર્ડિંગ પણ જાણી લીધું હતું. આ બનાવ બનતા નેહલબાને પતિ રવિરાજસિંહ દ્વારા અવારનવાર બિભત્સ ગાળો કાઢી, ઢીકાપાટુનો માર મારી અને આ અફેર બાબતે જો તેણી કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી દીધી હતી.
આ કૃત્યમાં તેણીના સસરા મહેન્દ્રસિંહ ખાણુંભા ઝાલા તથા સાસુ વિમળાબા દ્વારા પણ પોતાના પુત્રના કૃત્યને આડકતરી રીતે ઉત્તેજન આપી, મેણા-ટોણા મારવામાં આવતા હતા. સાસુ દ્વારા- ‘તારી માંએ તને કાંઈ શીખવાડ્યું નથી. તું અહીંથી જતી રહે. મારો દીકરો તેને ગમે એટલી છોકરીઓ સાથે અફેર રાખશે’- તેમ કહી, નેહલબા સાથે અવારનવાર ઝઘડા તથા મારકૂટ કરવામાં આવતા હતા.
આમ, રવિરાજસિંહે અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવી, પોતાની પત્નીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી અને પહેર્યા કપડે ઘરમાંથી કાઢી મૂક્યા અંગેની ધોરણસર ફરિયાદ અહીંના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -