સામાન્ય સંજોગોમાં હિન્દી ફિલ્મોમાં વ્યકિતઓ બદલી જવાની ઘટનાઓ બનતી હોય છે. તેવી જ એક ઘટના જામનગર શહેરમાં બનતાં બે પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતાં. આ ઘટનાની વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રહેતાં દયાળજીભાઇ દામજીભાઇ રાઠોડ નામના વૃધ્ધ બે દિવસ પૂર્વે ગુમ થયા હતાં. ત્યારબાદ પરિવારજનોએ શોધખોળ કર્યા પછી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારે બીજી તરફ શહેરમાં શાકમાર્કેટ નજીક રહેતાં કેશુભાઇ બાબુભાઇ મકવાણા નામના વૃધ્ધ પણ ગુમ થયા હતાં. જેની પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પોલીસમાં જાણ કરી હતી.
આ બંન્ને વૃધ્ધો ગુમ થયાની ઘટનામાં દયાળજીભાઇ રાઠોડનો મૃતદેહ શાકમાર્કેટ નજીકથી મળી આવતાં સીટી-એ ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી હોસ્પિટલ પીએમ માટે લઇ ગયા હતાં. આ મૃતદેહની ઓળખ કર્યા વગર જ કેશુભાઇ મકવાણાનો સમજીને તેમના પરિવાજનો દયાળજીભાઇનો મૃતદેહ ગઇ ગયા હતાં અને અંતિમ સંસ્કાર પણ નિયમો મુજબ કરી નાખ્યા હતાં.
ત્યારબાદ બીજે દિવસે જીવિત કેશુભાઇ બાબુભાઇ મકવાણા તેમના ઘરે પહોંચતા ફિલ્મી દશ્યો સર્જાયા હતાં અને તેમના જ અંતિમ સંસ્કાર કરી નાખ્યા હોવાનું જણાતા પરિવારજનો અને કેશુભાઇ બંન્ને અવાચક બની ગયા હતાં. વૃધ્ધ જીવિત હોવાનું ખુલ્યા બાદ પરિવારજનોએ પોલીસમાં આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે બંન્ને પરિવારજનોને સાથે રાખીને મામલો થાળે પાડયો હતો.