રાજયના ચાર મહાનગરો રાજકોટ, વડોદરા, જૂનાગઢ અને ગાંધીનગર નોનવેજ બંધી તરફ અગ્રેસર થયા છે. ત્યારે જામનગર મહાપાલિકાએ પણ આ અંગે વિચારણા શરૂ કરી છે. જામનગરમાં પણ અન્ય શહેરોની જેમ જાહેર માર્ગો પરથી નોનવેજની લારીઓ દૂર કરવા માટે કોર્પોરેટરો પાસે અભિપ્રાય માંગવામાં આવ્યા હોવાનું શહેરના મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું છે. તો નોનવેજની લારીઓ દૂર કરવા માટે હજુ સુધી કોઇ નિર્ણય કરવામાં આવ્યો ન હોવાનું સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારિયાએ જણાવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાએ શરૂ કરેલી નોનવેજ લારી હટાવ ઝુંબેશમાં વડોદરા, જૂનાગઢ અને ગાંધીનગર જેવા મહાનગરો પણ જોડાયા છે. ત્યારે જામનગર શહેરમાં પણ આ અંગે માંગણીઓ ઉઠવા લાગી છે. જો કે, જામનગરમાંથી નોનવેજની લારીઓ દુર કરવા અંગે જામ્યુકો દ્વારા હજુ સુધી કોઇ સત્તાવાર નિર્ણય લેવામા આવ્યો ન હોવાનું સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષ કટારીયાએ જણાવ્યું હતું. બીજી તરફ મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે, અન્ય શહેરોને પગલે જામનગરમાંથી પણ નોનવેજની લારીઓ હટાવવાની કેટલીક રજુઆતો મળી છે. જેને અનુસંધાને જામ્યુકો દ્વારા આ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી છે. તેમણે કહયું કે, નોનવેજની લારીઓ અંગે શહેરમાં સર્વે કરવામાં આવશે. તેમજ જાહેર માર્ગો પરની લારીઓ દુર કરવા માટે તમામ કોર્પોરેટરોના અભિપ્રાય પણ માંગવામાં આવ્યા છે. કોર્પોરેટરોના અભિપ્રાય બાદ આ અંગે બેઠક યોજી કોઇ સતાવાર નિર્ણય કરવામાં આવશે. બીજી તરફ જામનગર શહેરના નાનકપુરી સહિતના કેટલાક વિસ્તારોમાંથી નોનવેજની લારી, કેબિનો હટાવવા 11 જેટલા કોર્પોરેટરો દ્વારા કમિશનરને રજુઆત કરવામાં આવી છે. જેમાં શહેરના વોર્ડ નં. 11, 13,15 અને 16ના કોર્પોરેટરોનો સમાવેશ થાય છે.
જામનગરમાં પણ નોનવેજની લારીઓ દૂર કરવા વિચારણા
કોર્પોરેટરોના અભિપ્રાય બાદ કરવામાં આવશે નિર્ણય : મેયર