જામનગર મહાપાલિકાની સ્થાયી સમિતિએ શહેરની નવી પાર્કિંગ પોલિસીને મંજૂરી આપી છે. જો કે, આ પાર્કિંગ પોલિસીમાંથી ઓફ સ્ટ્રીટ પાર્કિંગ સહિતની ત્રણ જોગવાઇઓ રદ કરવામાં આવી છે. પોલિસીને આખરી મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ મૂકવામાં આવશે.
ચેરમેન મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર શહેરની પાર્કિંગ પોલિસીને મંજૂરી આપવામાં આવી હતી. આ પાર્કિંગ પોલિસીની નવ મુખ્ય જોગવાઇઓ પૈકી ઓફ સ્ટ્રીટ પાર્કિંગ ફેસેલીટી ઉપરાંત વાહન ખરીદતી વખતે પાર્કિંગની જગ્યા દર્શાવવાની જોગવાઇ તથા માસિક અને વાર્ષિક પાર્કિંગ ચાર્જ અંગે પરમીટ આપવાની જોગવાઇ રદ કરવામાં આવી છે. જયારે બાકીના નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. ઉપરાંત ઓનસ્ટ્રીટ પાર્કિંગની જોગવાઇ પણ યથાવત રાખવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં જરૂર જણાય તો જ સામાન્ય સભાની મંજૂરી બાદ તેનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પોલિસીમાં વિકલાંગના વાહનો માટે પાર્કિંગ વિનામૂલ્યે કરવામાં આવ્યું છે.
મંજૂર કરાયેલી પાર્કિંગ પોલિસી અનુસાર શહેરમાં દાખલ થતાં તમામ ભારે વાહનો તથા પ્રાયવેટ પેસેન્જર બસોને પ્રવેશ પ્રતિબંધિત રહેશે. તથા પીકઅપ અને ડ્રોપની સુવિધા શહેરની હદ બહારના ભાગમાં ઉભી કરવાની રહેશે. આરટીઓ તથા ટ્રાફિક પોલિસ દ્વારા નકકી થયેલ રીક્ષા સ્ટેન્ડ કે ટેકસી સ્ટેન્ડને વિનામૂલ્યે પાર્કિંગ આપવાનું રહેશે. જયાં સુધી નિર્ણય ન થાય ત્યાં સુધી હાલ તમામ ઓનસ્ટ્રીટ પાર્કિંગ વિનામૂલ્યે રહેશે. દરમ્યાન શહેરના કુલ 14 પ્રિમિયમ રોડ પર ઓનસ્ટ્રીટ પાર્કિંગના સ્થાન નકકી કરવામાં આવશે.