દેશના છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જેની સરહદ પાકિસ્તાનથી નજીક ગણાય છે અને દરિયાઇ વિસ્તાર પણ પાકિસ્તાનથી નજીક આવેલો છે. જ્યાં ગઈકાલે બુધવારે જિલ્લા પોલીસને કરોડો રૂપિયાનો વિશાળ માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. કોઈપણ એજન્સીની મદદ વગર જિલ્લા પોલીસે મુંબઈમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા એક મુસ્લિમ યુવાન તથા તેની તપાસ બાદ સલાયાના બે કુખ્યાત શખ્સોને પણ ડ્રગ્સના કરોડો રૂપિયાની કિંમતના વિશાળ જથ્થા સાથે દબોચી લીધા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માદક દ્રવ્યનો જથ્થો ઉતર્યો હોવા તથા તેની હેરાફેરી થતી હોવા અંગેની પ્રાથમિક બાતમી જિલ્લા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને મળતા અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ. ચાવડા તથા પી.એસ.આઈ. પી.સી. સીંગરખીયા દ્વારા અતિ ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંગે મંગળવારે મોડીરાત્રે ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર આવેલા આરાધનાધામ પાસે એક સ્કુલ બેગ તથા બે બેગ સાથે ઉભેલા એક શંકાસ્પદ શખ્સની અટકાયત કરી, તેની તલાસી લેવામાં આવી હતી. આ શખ્સની ઝળતીમાં તેની પાસે રહેલી જુદી-જુદી બેગમાંથી માદક દ્રવ્યોના કુલ 19 પેકેટ પોલીસને સાંપડ્યા હતા.
આ સંદર્ભે ઉપસ્થિત પોલીસ અધિકારી તથા સ્ટાફ દ્વારા આગવી ઢબે કરવામાં આવેલી પૂછતાછમાં પોપટ બનેલા હિન્દી ભાષી એવા આ શખ્સે સાથેના 19 પેકેટમાં હેરોઈન થતા મેથાએમફેટામાઈન નામના માદક પદાર્થ હોવાનું કબૂલ્યું હતું.
ઝડપાયેલો શખ્સ મહારાષ્ટ્ર રાજ્યના થાણે જિલ્લાના મુંબરા ખાતે રહેતો સજ્જાદ સિકંદર બાબુ ઘોસી હોવાનું ખુલવા પામ્યું છે. 44 વર્ષીય ઉપરોક્ત મુસ્લિમ શખ્સ મુંબઈ ખાતે શાકભાજીના વેપાર કરતો હોવાનું વધુમાં જાહેર થયું છે. 19 પેકેટમાં ઝડપાયેલા હિરોઈન સહિતના માદક પદાર્થ 17.651 કિલોગ્રામ હોવાનું અને તેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયા 88,25,51,000 થતી હોવાનું જાહેર થયું છે. આથી પોલીસે મુંબઈના સજ્જાદ ઘોસી નામના ઉપરોક્ત શખ્સની વિધિવત રીતે ધરપકડ કરી, ખંભાળિયા તાલુકાના વાડીનાર મરીન પોલીસ મથકમાં તેની સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સ પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે, જેને પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધો છે.
ઝડપાયેલા આ શખ્સની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા માદક પદાર્થનો આ જથ્થો તેણે સલાયાના રહીશ સલીમ યાકુબ કારા અને અલી યાકુબ કારા નામના બંધુઓ પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું હતું. ગત તારીખ 7મી ના રોજ મુંબઈથી ખંભાળિયા આવી અને અહીંની એક હોટેલમાં બે દિવસ રહ્યા બાદ મંગળવારે તેણે ચેક આઉટ કરી અને ઉપરોક્ત નશીલા પદાર્થ મેળવી અને મુંબઈ ખાતે પરત નીકળતા પોલીસે ગત મોડી રાત્રે જ તેને માર્ગમાં જ દબોચી લીધો હતો.
આ પ્રકરણ સંદર્ભે અતિ ગુપ્તતાપૂર્વક હાથ ધરવામાં આવેલ કામગીરીમાં સલાયાના ઉપરોક્ત બે મુસ્લિમ શખ્સો સલીમ તથા અને અલી યાકુબ કારાને પોલીસે ઝડપી લઇ તેઓના ઘરની ઝડતી તપાસ કરતા આ સ્થળેથી પણ કરોડ રૂપિયાની કિંમતના વધુ 47 પેકેટ માદક પદાર્થના મળી આવ્યા હતા. જેથી પોલીસે આ અંગે પણ વિધિવત રીતે કામગીરી કરી અને તેના વજન તેમજ કિંમત અંગેની ધોરણસરની કાર્યવાહી કરી હતી. એક પ્રાથમિક અંદાજ મુજબ આશરે 46 કિલો ડ્રગ્સની કિંમત રૂપિયા 225 કરોડ જેટલી આંકી શકાય.
આ પ્રકરણની આગળની તપાસ અહીંના પી.આઈ. પી.એમ. જુડાલને સોંપવામાં આવી છે. પ્રથમ આરોપી થાણે- મુંબઈના સજ્જાદ ઘોસીને આજે સવારે અહીંની અદાલતમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણની તપાસનો ધમધમાટ ગત મોડી રાત્રી સુધી ચાલ્યો હતો. ઉપરોક્ત આરોપી ઉપરાંત આ ગુનામાં અન્ય કેટલાક શખ્સોના નામ ખૂલે તો પણ નવાઈ નહીં. જે અંગેના કડાકા-ભડાકા આગામી ટૂંક સમયમાં થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
નશીલા પદાર્થો સાથે ગઈકાલે ઝડપાયેલા મુંબઈના રહીશ સજ્જાદ સિકંદર અગાઉ હત્યા કેસમાં સંડોવાયેલા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ ઉપરાંત સલાયાનો સલીમ યાકુબ કારા પણ અગાઉ નશીલા પદાર્થ તેમજ ડુપ્લીકેટ ચલણી નોટોના પ્રકરણમાં જેલની હવા ખાઈ ચુક્યો હોવાનું અને તેની ઉપર 7 જેટલા ગુના અગાઉ નોંધાયા છે. તેનો ભાઈ અલી યાકુબ કારા સામે જુગાર સહિતના ગુના નોંધાયા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે.
સજ્જાદ તથા સલીમ કારા મુંબઈ જેલમાં મળ્યા હતા
હત્યાનો આરોપી સજ્જાદ તથા સલાયા પંથકના ગુનાનો અને વિવિઘ ગુનાઓમાં સંડોવાયેલો સલીમ યાકુબ અગાઉ મુંબઈ ખાતે જેલમાં લાંબો સમય સાથે રહ્યા હોવાનું અને તેઓ સાથે ત્યાંથી આગળનો વ્યવહાર થયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
આરોપી કારા બંધુઓનો બંગલો કસ્ટમ ઓફિસની સામે જ…
ગઈકાલે કરોડો રૂપિયાની કિંમતના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કારા બંધુઓનું ઘર સલાયામાં કસ્ટમ ઓફિસની સામે જ આવેલું છે. ત્યારે અહીંની ભેદી હિલચાલ શું કસ્ટમના ધ્યાને નહીં આવી હોય? તે મુદ્દો પણ વિચારવા જેવો રહ્યો. આ ઉપરાંત કારા પરિવારના સદસ્યો દાયકાઓ અગાઉ દાણચોરી સહિતની કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની નોંધપાત્ર કામગીરી
ખંભાળિયામાંથી ગઈકાલે બુધવારે આટલી નોંધપાત્ર માત્રામાં ઝડપાયેલો કરોડો રૂપિયાનો માદક પદાર્થનો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. આ ડ્રગ્સનો જથ્થો દરિયાઈ માર્ગે સલાયા આવ્યો હતો અને જિલ્લા પોલીસ દ્વારા કોઈપણ એજન્સીની મદદ કે માહિતી વગર સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં સફળતા મેળવી છે. આ તદ્દન ગ્રાઉન્ડ વર્ક પ્રકારની આ સમગ્ર કામગીરીની નોંધ રેન્જ આઈ.જી. તેમજ ગૃહ વિભાગ દ્વારા પણ લેવામાં આવી છે અને તેમના દ્વારા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તેમજ એસઓજી સહિતની પોલીસની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આ નોંધપાત્ર કામગીરી બદલ આગામી સમયમાં કેન્દ્ર દ્વારા જિલ્લા પોલીસને પુરસ્કાર પણ આપવામાં આવશે.
અગાઉ પણ કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઝડપાયો હતો
ખંભાળિયા તાલુકાના અતિ કુખ્યાત બનેલા સલાયા ખાતેથી આશરે ત્રણેક વર્ષ પહેલા એટીએસ વિભાગે કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે સ્થાનિક શખ્સોને ઝડપી લીધા હતા. જેના આરોપીઓ હજુ પણ જેલમાં છે. ગઈકાલે ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો અગાઉ કરતાં અનેક ગણો વધારે છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે આજે આરોપીઓના રિમાન્ડ મેળવી આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સો તથા ડ્રગ્સના વધુ જથ્થાની હેરાફેરી સંદર્ભેની કડીઓ મેળવવા પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની કાર્યવાહી કરવામાં આવશે
જિલ્લામાં ત્રણ મરીન પોલીસ મથકમાં સાત બોટ દ્વારા પેટ્રોલિંગ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાડીનાર, સલાયા તથા ઓખા એમ ત્રણ મરીન પોલીસ મથક આવેલા છે. અહીં સરકાર દ્વારા ફાળવવામાં આવેલી સાત દરિયાઈ સ્પીડ બોટ મારફતે પેટ્રોલિંગ કરવામાં આવી છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે સેન્સેટિવ એવા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોસ્ટ ગાર્ડ તથા બીએસએફ વોટરવિંગનું પેટ્રોલિંગ વધુ મજબૂત બનાવવામાં આવે તે બાબત હાલમાં સંજોગોમાં જરૂરી માનવામાં આવી રહી છે.
જાબાઝ પોલીસ અધિકારીઓની ટીમને શ્રેય
સમગ્ર ગુજરાતમાં જેની નોંધ લેવામાં આવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડ્રગ્સ અંગેની નોંધપાત્ર અને સુંદર કામગીરી માટે રાજ્યના ઉચ્ચ વિભાગો દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા સુનિલ જોશીની સીધી દેખરેખ હેઠળ અન્ય અધિકારીઓ ડીવાયએસપી નીલમબેન ગોસ્વામી, સમીર સારડા, હિરેન્દ્ર ચૌધરી તથા પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એમ. જુડાલ, જે.એમ. પટેલ, પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા, તથા સ્ટાફને આ સમગ્ર પડકાર રૂપ અને ગુપ્ત ઓપરેશનની સફળતાના યશભાગી માનવામાં આવે છે.