જામનગર તાલુકાના મોટી ખાવડી ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ તકે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, લોકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ મળી રહે, લોકોને અકારણ જિલ્લા-તાલુકાના ધક્કા ન થાય તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 56 જેટલી સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને આગામી સમયમાં પણ આ સેવાઓ વધુમાં વધુ લોકોપયોગી બની રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.
ગ્રામ વિસ્તારોમાં ઘર આંગણે સરકારી સેવાઓ પ્રાપ્ય બનાવવા સેવા સેતુ ઉત્તમ માધ્યમ બન્યું છે.ગામડાઓ સુખી અને સમૃદ્ધ બને તેમજ ગ્રામીણ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તે બાબત સરકારના કેન્દ્રમાં છે. કાર્યક્રમમાં મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
આ કાર્યક્રમમાં મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સેવાસેતુના વિવિધ લાભાર્થીઓને પ્રમાણપત્ર/મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. મંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી તેમજ સરકારી માધ્યમિક શાળા મોટી ખાવડી ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.
આ પ્રસંગે ઇંચાર્જ કલેક્ટર અને જામનગરમ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, પ્રાંત અધિકારી અક્ષય બુદાણીયા, હસુભાઇ ફાચરા, કુમારપાલસિંહ રાણા, મુકુંદભાઇ સભાયા, પ્રદિપસિંહ જાડેજા, વિનુભાઈ ભંડેરી, સરપંચઓ પ્રવિણસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, જગદીશભાઇ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે મોટીખાવડીમાં સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ
ગ્રામ વિસ્તારોમાં ઘર આંગણે સરકારી સેવાઓ પ્રાપ્ય બનાવવા સેવા સેતુ ઉત્તમ માધ્યમ બન્યું છે -મંત્રી રાઘવજીભાઈ પટેલ