લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતો યુવાન તેના પિતાને ખર્ચના પૈસા આપવા માટે પોરબંદર તાલુકાના સોઢાણા ગામે ગયો હતો હતો તે દરમિયાન કૌટુંબિક ભાભીએ ઉછીના આપેલા રૂપિયાની માંગણી કરી રકઝક અને બોલાચાલી થતા પોલીસમાં ફોન કરતા ભયભીત થયેલા યુવાને પોલીસ દ્વારા ધરપકડના ભયથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત મુજબ, પોરબંદર જિલ્લાના બગવદર તાલુકાના સોઢાણા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના કાનાલુુસ ગામમાં રહેતો નિતેશ ગોવિંદ સિંગરખીયા (ઉ.વ.25) નામનો યુવાન તેના સોઢાણા ગામે પિતાને ખર્ચના પૈસા આપવા માટે ગયો હતો તે દરમિયાન કૌટુંબિક ભાભી હંસાબેનએ એક વર્ષ પહેલાં ઉછીના આપેલા આઠ હજાર રૂપિયાની માંગણી કરતા બન્ને વચ્ચે બોલાચાલી થવાથી ભાભીએ પોલીસમાં ફોન કરતા ભયભીત થયેલો નિતેશ તેના ગામ કાનાલુસ પરત આવી ગયો હતો અને પોલીસ દ્વારા ધરપકડ કરાશે તો પરિવારની આબરુ જશે તે બીકમાં શનિવારે સાંજના સમયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ નાનજીભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ એ.ઓ. કુરેશી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.