જામનગર તા.૧૦ ઓક્ટોબર, રણજીતનગર લેઉવા પટેલ સેવા સમાજ ખાતે જામનગર સમસ્ત પાટીદાર સમાજના તમામ હોદેદારો, સામાજિક અગ્રણીઓ, રણજીતનગર વેપારી મંડળ તથા વકીલ એસોસિએશન દ્વારા રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જ્યાં સંસ્થાના હોદેદારો દ્વારા મંત્રીનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
મંત્રીએ આ પ્રસંગે સમસ્ત જામનગર પાટીદાર સમાજનો સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે મને પાટીદાર હોવાનું ગૌરવ છે અને આ સમાજના વિકાસ માટે આજીવન મેં શક્ય તે તમામ કાર્યો કર્યા છે તેમજ ભવિષ્યમાં પણ આ સમાજ સન્માન પૂર્વક જીવે, સમાજની સલામતી જળવાઈ રહે, સમાજને કોઈ અન્યાય ન થાય અને સમાજ સતત પ્રગતિ કરે એ દિશામાં સમસ્ત પાટીદાર સમાજને હું પૂર્ણ પણે ઉપયોગી થઈશ અને મારા વર્તન, વ્યવહાર તથા કાર્યો દ્વારા સમાજ પ્રત્યેની મારી ફરજો તથા ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરતો રહીશ.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, ટ્રસ્ટી લાલજીભાઈ કાનાણી, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ વસોયા, મંત્રી રમેશભાઈ રાણીપા, કડવા પાટીદાર મંત્રી અમૃતિયા, અરજણભાઈ સોજીત્રા, લવજીભાઈ વાદી, રમેશભાઈ વેકરીયા, લેઉવા પટેલ સમાજના તમામ કારોબારી સભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


