Friday, January 10, 2025
Homeરાજ્યજામનગરસમાણા સાડા આઠ અને જામનગર શહેર પાંચ ઈંચ વરસાદથી તરબોળ

સમાણા સાડા આઠ અને જામનગર શહેર પાંચ ઈંચ વરસાદથી તરબોળ

મોટા ખડબામાં ધોધમાર સવા છ ઈંચ અને ધ્રાફામાં છ ઈંચ વરસાદ : લાલપુરમાં પાંચ ઈંચ : કાલાવડમાં વધુ સાડા ચાર ઈંચ વરસાદ : વસઈ, જામવંથલી, ધુતારપુર, પડાણામાં ચાર-ચાર ઈંચ વરસાદ

- Advertisement -


બંગાળના અખાતમાં સર્જાયેલ ચક્રવાત ‘ગુલાબ’ની તિવ્રતાને કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ ચક્રવાતને કારણે છેલ્લાં 72 કલાકથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ વરસાદ કરતાં પણ અનેકગણો વધુ વરસાદ વરસી ચૂકયો છે. તેમાં જામનગર શહેર અને જિલ્લામાં પણ સરેરાશ વરસાદ કરતા વધુ વરસાદ પડી ગયો છે અને હજુ પણ વરસાદની આગાહી હોય જેથી આગામી દિવસોમાં પણ વરસાદ વરસવાની શકયતાઓ રહેલી છે. આ વર્ષે ચોમાસાની સીઝનમાં વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ મેઘાએ વિરામ લીધો હતો. પરંતુ, ત્યારબાદ છેલ્લા 20 દિવસોમાં મેઘરાજા ભારે હેત વરસાવતા રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘકહેર બની ગઇ છે અને હવે પરિસ્થિતિ અતિવૃષ્ટિની થઈ ગઇ છે. ખાસ કરીને જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ભારે વરસાદને કારણે અનેકગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં અને શહેરના અનેક વિસ્તારોમાં છ થી 10 ફૂટ જેટલું પાણી ભરાઇ જવાથી અસંખ્ય લોકોનો ઘરસામાન પાણીમાં પલળી જતાં માલમિલકતને મોટું નુકસાન થયું હતું.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં પુરા થતા 28 કલાક સુધીમાં જામનગર શહેરમાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લાં બે દિવસથી શહેરમાં વરસાદના જોરદાર ઝાપટા પડી રહ્યા હતા અને બુધવારે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને બપોરે બે થી ચાર વાગ્યા સુધીમાં ધોધમાર બે ઇંચ પાણી વરસાવ્યું હતું. ત્યારબાદ રાત્રિના 10 થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં વધુ પોણા બે ઈંચ પાણી વરસ્યું હતું અને વહેલીસવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીના ચાર કલાકમાં વધુ એક ઈંચ પાણી પડયું હતું. શહેરમાં વરસેલા ભારે વરસાદને કારણે પોલીસતંત્ર દ્વારા વરસતા વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શકયતાઓ હોવાથી લોકોને સાવચેત રહેવા માઈક દ્વારા સતત અપીલ કરવામાં આવી હતી. તેમજ ઉપરવાસના વરસાદને કારણે જામનગર શહેરનું ઐતિહાસિક એવું રણમલ તળાવ સતત ત્રીજા વર્ષે ઓવરફલો થઈ ગયું હતું. વરસાદની સાથે-સાથે અવિસ્મરણીય વીજળીના ચમકારા આકાશમાં જોવા મળી રહ્યા હતાં અને શહેરમાં વરસેલા પાંચ ઇંચ વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. જો કે, તંત્ર દ્વારા અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે સતત લોકોને એલર્ટ કરવામાં આવ્યા હોવાથી આ વરસાદમાં લોકોની ઘરવખરીનું થતું નુકસાન મહદઅંશે ટળી ગયું હતું. જામનગર શહેરમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 28 કલાકના સમયમાં સવા પાંચ ઈંચ વરસાદ પડયો છે અને શહેરમાં આજ દિન સુધી મોસમનો કુલ વરસાદ 799 મિ.મી. એટલે કે 32 ઈંચ વરસાદ પડી ગયો છે.

જામનગર તાલુકામાં છેલ્લાં 24 કલાક દરમિયાન વસઈમાં ચાર ઈંચ (102 મિ.મી.) વરસાદ વરસતા કુલ વરસાદ 735 મિ.મી. (29 ઈંચ) થયો છે. લાખાબાવળમાં વધુ બે ઇંચ વરસતા કુલ વરસાદ 446 મિ.મી. (18 ઈંચ) અને મોટી બાણુંગારમાં વધુ ત્રણ ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 883 મિ.મી. (35 ઈંચ) અને ફલ્લામાં બે ઈંચ અને મોસમનો કુલ વરસાદ 707 મિ.મી. (28 ઈંચ) તેમજ જામવંથલીમાં 4 ઈંચ વરસતા કુલ વરસાદ 1178 મિ.મી. (47 ઈંચ) અને ધુતારપુરમાં 4 ઇંચ સાથે કુલ વરસાદ 904 મિ.મી. (36 ઈંચ) તેમજ અલિયાબાડામાં ત્રણ ઈંચ પડતા કુલ વરસાદ 882 મિ.મી. (35 ઈંચ), દરેડમાં અઢી ઈંચ પડતા કુલ 430 મિ.મી.(17 ઈંચ) વરસાદ પડયો હતો.લાલપુરમાં બુધવારે બપોરના બે વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલી મેઘસવારીએ આજે સવારના 10 વાગ્યા સુધીમાં 118 મિ.મી. (5 ઈંચ) વરસ્યો હતો અને મોસમનો કુલ વરસાદ 811 મિ.મી. (32 ઈંચ) થયો છે જ્યારે લાલપુર તાલુકાના મોટા ખડબામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સવા છ ઈંચ વરસાદ ખાબકયો હતો અને મોસમનો કુલ વરસાદ 1195 મિ.મી. (48 ઈંચ) થયો છે. મોડપરમાં પોણા પાંચ ઈંચ (118 મિ.મી.) પાણી વરસતા મોસમનો કુલ વરસાદ 696 મિ.મી. (28 ઈંચ) થયો છે. પડાણામાં વધુ ચાર ઈંચ વરસાદ થતા મોસમનો કુલ વરસાદ 727 મિ.મી.(29 ઈંચ) થયો છે. પીપરટોડામાં વધુ પોણા ચાર ઈંચ પાણી વરસ્યું હતું. મોસમનો કુલ વરસાદ 936 મિ.મી. (37 ઈંચ) થયો છે. ભણગોરમાં વધુ બે ઈંચ પાણી વરસતા કુલ વરસાદ 720 મિ.મી. (29 ઈંચ) અને ડબાસંગમાં બે ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 609 મિ.મી. (24 ઈંચ) થયો છે.

કાલાવડ ગામમાં બુધવારે બપોરે 2 વાગ્યાથી શરૂ થયેલા વરસાદે બે કલાકમાં અઢી ઈંચ પાણી વરસાવ્યું હતું. ત્યારબાદ છ થી આઠમાં પોણો ઇંચ, 10 થી 12 અને 12 થી 2 માં અડધો-અડધો ઈંચ પાણી પડતા આજે સવારે 10 વાગ્યા સુધીમાં 28 કલાકમાં 113 મિ.મી. એટલે કે સાડા ચાર ઈંચ પાણી પડતા કુલ વરસાદ 1364 મિ.મી. (54.5 ઈંચ) વરસાદ વરસ્યો છે તેમજ 24 કલાક દરમિયાન વરસાદના આંકડા પ્રમાણે નિકાવામાં બે ઈંચ વરસતા કુલ વરસાદ 975 મિ.મી. (39 ઈંચ), ખરેડીમાં સવા બે ઈંચ પાણી પડતા કુલ વરસાદ 1315 મિ.મી. (52.5 ઈંચ), ભ.બેરાજામાં વધુ બે ઈંચ ખાબકતા કુલ વરસાદ 990 મિ.મી. (39.5 ઈંચ) અને નવાગામમાં અઢી ઈંચ વરસતા કુલ વરસાદ 1385 મિ.મી. (55.5 ઈંચ) અને મોટાપાંચદેવડામાં ત્રણ ઈંચ પાણી વરસતા મોસમનો કુલ વરસાદ 1476 મિ.મી. (59 ઈંચ) જ્યારે મોટા વડાળામાં વધુ બે ઈંચ પડતા કુલ વરસાદ 948 મિ.મી. (38 ઈંચ) વરસાદ થયો હતો.

જામજોધપુરમાં છેલ્લાં 28 કલાક દરમિયાન અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. મોસમનો કુલ વરસાદ 838 મિ.મી.(33.5 ઈંચ) થયો છે. જ્યારે તાલુકાના વિસ્તારોમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સમાણામાં સૌથી વધુ સાડા આઠ ઈંચ વરસાદ ખાબકયો હતો. મોસમનો કુલ વરસાદ 1567 મિ.મી. (63 ઈંચ), શેઠવડાળામાં પાંચ ઇંચ અનરાધાર પાણી વરસતા મોસમનો કુલ વરસાદ 1090 મિ.મી. (43.5 ઈંચ), જામવાડીમાં અઢી ઇંચ પાણી વરસતા કુલ વરસાદ 517 મિ.મી. (21 ઈંચ), વાંસજાળિયામા ત્રણ ઈંચ વરસાદ વરસતા કુલ 794 મિ.મી. (32 ઈંચ), ધુનડામાં પોણા અઢી ઈંચ પાણી પડતા કુલ 897 મિ.મી. (36 ઈંચ) જ્યારે ધ્રાફામાં ધોધમાર પોણા છ ઈંચ પાણી વરસતા મોસમનો કુલ વરસાદ 1582 મિ.મી. (63 ઈંચ) અને પરડવામાં વધુ ત્રણ ઈંચ પાણી પડતા કુલ વરસાદ 951 મિ.મી. (38 ઈંચ) નોંધાયો છે.

ધ્રોલમાં છેલ્લાં 28 કલાક દરમિયાન બે ઈંચ પાણી વરસ્યું હતું. ધ્રોલમાં મોસમનો કુલ વરસાદ 893 મિ.મી. (36 ઈંચ) થયો છે. જ્યારે તાલુકાના વિસ્તારોમાં લતીપુરમાં દોઢ ઈંચ પાણી પડતા કુલ વરસાદ 757 મિ.મી. (30 ઇંચ) થયો છે. જાલિયાદેવાણીમાં એક ઈંચ પાણી પડતા કુલ વરસાદ 702 મિ.મી. (28 ઇંચ) અને લૈયારામાં પોણા બે ઈંચ પાણીપડતા કુલ વરસાદ 719 મિ.મી. (29 ઈંચ) વરસાદ થયો છે.

જોડિયામાં છેલ્લાં 28 કલાક દરમિયાન બે ઈંચ પાણી પડયું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ 910 મિ.મી. (36.5 ઈંચ) નોંધાયો છે. જ્યારે તાલુકાના હડિયાણામાં વધુ અઢી ઈંચ પાણી વરસતા કુલ વરસાદ 672 મિ.મી. (27 ઇંચ), બાલંભામાં દોઢ ઈંચ પાણી પડતા કુલ વરસાદ 702 મિ.મી. (28 ઈંચ), પીઠડમાં દોઢ ઈંચ વરસાદ થતા કુલ વરસાદ 769 મિ.મી. (31 ઈંચ) નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular