ઈ.સ. 1971 ના યુદ્ધ વિજયના 50 વર્ષની ઉજવણીના ભાગ રૂપે એટલે કે તેના સ્વર્ણિમ વિજય વર્ષ નિમિત્તે “સી રાઇડસ” લેડી સહિત 16 ભારતીય નૌકાદળના અધિકારીઓની ટીમ છે, આ ટીમે ભારતીય નૌકાદળ સાહસી મોટરસાયકલ અભિયાન અંતરગત તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગરની મુલાકાત લીધી હતી. આ નૌકાદળની ટીમનું નેતૃત્વ કેપ્ટન (એઈએન) સુમિત પુરી કરી રહ્યા હતા.
સ્કૂલમાં તેમના આગમન પર અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેવલ એવિએશનને પ્રેસિડેન્ટ કલર એવોર્ડ પરની ફિલ્મ બતાવવામાં આવી હતી અને એ જ રીતે ‘સી રાઇડર્સ’ ટીમને સ્કૂલ વિશેની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી.
આ પ્રસંગે ટીમ લીડર કેપ્ટન (એઈએન) સુમિત પુરીએ જણાવ્યું હતું કે 1971 ના યુદ્ધમાં નોંધપાત્ર વિજય વિશે સ્કૂલો અને કોલેજોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સાથે પશ્ચિમી મોરચે 1971 ના અભિયાનના લોન્ચિંગ પેડ્સની મુલાકાત લેતી વખતે ટીમ કારવારથી નવી દિલ્હી સુધી 6000 કિલોમીટરનો અભિયાન ચલાવી રહી છે. તેમણે સ્કૂલને ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી કરવા માટે સ્કૂલના અધિકારીઓ સહિત સ્ટાફ અને કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે દરેકને સારા સ્વાસ્થ્ય, સમૃદ્ધી અને જીવનમાં સફળ બનવા માટે શુભેચ્છા પાઠવી હતી.
આ એક ઇન્ટરેક્ટિવ સત્ર હતું જેમાં ધોરણ 12 અને 11 ના કેડેટ્સે ટીમના સભ્યોને તેમના અભિયાન અને ભારતીય નૌકાદળ વિશે ઘણા પ્રશ્ર્નો પૂછ્યા હતા જેનો અભિયાન જૂથના અધિકારીઓએ યોગ્ય રીતે જવાબ આપ્યો હતો.
આ પ્રસંગે, સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દર સિંઘે નેવલ એવિએશન ગ્રુપને પ્રેસિડેન્ટ કલર પ્રાપ્ત કરવા બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કેડેટ્સને નેવલ એવિએશન ગ્રુપ વિશે માહિતી આપી. તેમણે ભારતીય નૌકાદળની સિદ્ધિઓની પ્રશંસા કરી. સાથે સાથે એમ પણ કહ્યું કે કોઈપણ પ્રકારના સાહસ અભિયાનમાં બે પરિબળો હોય છે- ‘જુસ્સો’ અને ‘જિજ્ઞાસા’ અને આ બે પરિબળો નેતૃત્વને વિકસાવે છે, જે ભારતીય સંરક્ષણ દળોનો અભિન્ન ભાગ છે.
અન્ય ધોરણના કેડેટ્સ અને તેમના પરિવારના સભ્યોએ પણ તેમના વતનથી આ કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે નિહાળ્યો હતો. આ કાર્યક્રમનું સમાપન સૈનિક સ્કૂલ બાલાચડીના ઉપાચાર્ય લેફ્ટનન્ટ કમાન્ડર મનુ અરોરાના આભાર સાથે થયું હતું.