Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયાના વેપારીનું સોનુ લઇને ફરાર થઇ ગયેલા પરપ્રાંતિય શખ્સને પશ્ચિમ બંગાળથી દબોચી...

ખંભાળિયાના વેપારીનું સોનુ લઇને ફરાર થઇ ગયેલા પરપ્રાંતિય શખ્સને પશ્ચિમ બંગાળથી દબોચી લેવાયો

આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

- Advertisement -

ખંભાળિયામાં રહેતા એક સોના ચાંદીના કારીગર ત્યાં કામ માટે રહેલા પશ્ચિમ બંગાળના રહીશ એવા એક શખ્સ બીજા જ દિવસે રૂપિયા બે લાખનું સોનું લઈને રફૂચક્કર થઈ જતા ખંભાળિયા પોલીસે આ આરોપીને પશ્ચિમ બંગાળ ખાતે જઈને દબોચી લીધો હતો. આ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા શીરાજ બંગાળી નામના એક વેપારી કારીગરને ત્યાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કામે રહેલા સાકીરુદ્દીન અબ્દુલા શેખ નામના 21 વર્ષીય યુવાન બીજા જ દિવસે તા. 12 ના રોજ આશરે રૂપિયા બે લાખની કિંમતનું 45 ગ્રામ સોનું લઈને રફૂચક્કર થઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ તા. 13 એપ્રિલના રોજ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

આ સમગ્ર પ્રકરણ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીની સુચના મુજબ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયા દ્વારા વિવિધ દિશાઓમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત આરોપીનું પગેરું પશ્ચિમ બંગાળ સુધી હોવાનું ધ્યાને આવતા તપાસનીશ પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા તથા સ્ટાફ ગત તારીખ 7 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળ રાજ્યના હુબલી જિલ્લામાં પહોંચ્યા હતા.

અહીંથી ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ડોલેશ્વર વિસ્તારમાંથી ઉપરોક્ત આરોપીને દબોચી લઇ, ખંભાળિયા લઈ આવવામાં આવ્યો હતો. આરોપીને ખંભાળિયાની ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત આરોપી અન્ય નામથી ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવીને અહીં કામ પર રહ્યો હતો અને સોનાની ચોરી કરીને નૌ દો ગ્યારહ થઈ ગયો હતો. આ સમગ્ર પ્રકરણમાં પી.એસ.આઈ. એમ.જે. સાગઠીયા સાથે સ્ટાફના એ.એસ.આઈ. જયરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ ગોહિલ તથા વુમન કોસ્ટેબલ જયાબેન ભેટારીયા દ્વારા ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આ આરોપીને લઈ, પી.એસ.આઈ. સાગઠીયા તથા સ્ટાફ દ્વારા સુરત તરફ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular