જામનગર સહિત રાજયની છ મહાપાલિકાની ચૂંટણી પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ મહાપાલિકા માટે દાવેદારી નોંધાવવાનો પ્રારંભ થયો છે. આગામી છ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્ર નોંધાવી શકાશે. રાજય ચૂંટણી પંચ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. મતદાર યાદી મતદાન મથકો અને ચૂંટણી અધિકારીઓના નામ ફાઇનલાઇઝ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ જામનગર મહાપાલિકાના 16 વોર્ડની 64 બેઠકો માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવામાં આવતાં ઉમેદવારી પત્ર ભરવાનો પણ પ્રારંભ થઇ ચૂકયો છે.
જયારે અધિક કલેકટર દ્વારા ચૂંટણીને લઇને કેટલાક પ્રતિબંધાત્મક આદેશો પણ જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ ઉમેદવારી ફોર્મ ભરવા માટે ઉમેદવાર સાથે માત્ર 4 વ્યકિતઓ જઇ શકશે. જયારે મતદાન મથકો આસપાસ પ્રતિબંધાત્મક આદેશો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચૂંટણી પ્રાર માટે ઉપયોગમાં લેવાતા વાહનોની નોંધણી ફરજિયાત કરી દેવામાં આવી છે. બીજી તરફ બન્ને મુખ્ય રાજકીય પક્ષો ભાજપા-કોંગ્રેસ પોતપોતાના ઉમેદવારોની યાદીમાં અંતિમ ટચ આપવાની તૈયારીમાં લાગી ચૂકયા છે.
જામનગર સહિત રાજયની 6 મહાપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ચૂકયો છે. ચૂંટણીની વહિવટી અને રાજકીય ગતિવિધિઓ પણ શરૂ થઇ ચૂકી છે. મહાપાલિકાના 16 વોર્ડ માટે ઉમેદવારી પત્ર ભરવા ચૂંટણી અધિકારીઓના નામની જાહેરાત કરી દેવામાં આવી છે જે અનુસાર વોર્ડ નં. 1 થી 4 માટે લેન્ડરેકર્ડ વિભાગના સુપ્રિ. એસ.જી. શેખ વોર્ડ નં. પ થી 8 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી, કિર્તન પરમાર વોર્ડ નં. 9 થી 12 માટે જિલ્લા પુરવઠા અધિકારી એન.એચ. મકવાણા તથા વોર્ડ નં. 13 થી 16 માટે જામનગર શહેરના પ્રાંત અધિકારી એ.ડી. ડાંગરની નિમણુંક કરવામાં આવી છે. જામનગર શહેરમાં કુલ 645 મતદાન મથકો નિશ્ર્ચિત કરવામાં આવ્યા છે. જયારે મતદારોની સંખ્યા 4,76,668 છે. ચૂંટણી પંચ દ્વારા ઓબ્ઝર્વરોની પણ નિમણુંક માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ જામનગર શહેરમાં મહાપાલિકાની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઇ ચૂકયું છે.