જામનગર તાલુકાના જીવાપર ગામની વચ્ચે દરગાહ નજીકના રોડ પરથી પસાર થતાં બાઇક સાથે ખૂંટિયો અથડાતા અકસ્માતમાં ઘવાયેલા ચાલક યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગુજરાત રાજ્યના મહાનગરો તેમજ નગરસીમ વિસ્તારોમાં રખડતાં ઢોર અને કૂતરાંઓના ત્રાસથી પ્રજા ત્રાહિમામ થઇ થઇ છે. આ પશુઓના ત્રાસના કારણે અવારનવાર અકસ્માતમાં લોકોના ભોગ લેવાતા રહે છે. તેમ છતાં ગંભીર સમસ્યાના નિરાકરણ માટે સરકાર દ્વારા લાંબા ગાળાની યોજના કે કાર્યવાહી કરવામાં આવતી નથી. લગભગ દરરોજ રખડતાં ઢોરના કારણે લોકોના મોત નિપજવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતા જીતુભાઇ ભીખાભાઇ ચંદ્રપાલ (ઉ.વ.42) નામનો મજૂરી કરતો યુવાન ગત્ તા. 18 મેના રોજ સવારના આઠ વાગ્યાના અરસામાં તેના જીજે10 ડીકયુ 8073 નંબરના બાઇક પર જામનગર તાલુકાના જીવાપર ગામની વચ્ચે ઇસ્માઇલ પીરની દરગાહ પહેલાંના રોડ પરથી પસાર થતો હતો ત્યારે અચાનક ખૂંટિયો આડો ઉતરી બાઇક સાથે ધડાકાભેર અથડાતાં યુવાન રોડ પર પટકાયો હતો.
આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન ગુરૂવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના પુત્ર દિલીપભાઇ દ્વારા જાણ કરાતાં એએસઆઇ સી. ટી. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે રવાના કરી વધુ તપાસ હાથ ધરી હતી.


