જામનગરના માટેલ ચોક વિસ્તારમાંથી પોલીસે બે વિદ્યાર્થીઓને ઇંગ્લીશ દારૂના 40 નંગ ચપલા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી આદરી હતી. જામનગર શહેરમાં સુમેર કલબ રોડ ઉપરથી પોલીસે 24 નંગ ચપલા સાથે મજૂરીકામ કરતાં શખ્સને ઝડપી આગળની તપાસ હાથ ધરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલા માટેલ ચોકમાંથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે પસાર થતાં મિહિર પ્રતાપ સોઢા (ઉ.વ.20) અને કિશન સામત મકવાણા (ઉ.વ.19) નામના બે વિદ્યાર્થીઓને આંતરીને તલાશી લેતાં તેમના કબ્જામાંથી રૂપિયા 12 હજારની કિંમતના 40 નંગ ઇંગ્લીશ દારૂના જુદી જુદી કંપનીઓના ચપલા સાથે ઝડપી લીધા હતાં. પોલીસે બન્ને વિદ્યાર્થીઓની ધરપકડ કરી ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરતાં બન્ને વિદ્યાર્થીઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના વતની અને હાલ રામેશ્ર્વરનગર પાર્કના નંદન પાર્કમાં રહેતા હોવાનું ખુલ્યું હતું.
બીજો દરોડો જામનગર શહેરમાં મયૂર મેડીકલથી સુમેર કલર રોડ ઉપર પસાર થતાં ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ટફી ભીખુભા જાડેજા (ઉ.વ.28) નામના મજૂરી કરતાં યુવાનને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા. 2400ની કિંમતના 24 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી. ત્રીજો દરોડો જામનગર શહેરના ભીમવાસના ઢાળિયા નજીકથી પસાર થતાં જયેશ ઉર્ફે જય રમેશ ચાવડા (ઉ.વ.23) નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 125ની કિંમતનું બિયરનું ટીન મળી આવતાં પોલીસે જયેશની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


