જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી જામનગર શહેર અને જિલ્લામાં શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પુન:પ્રારંભ થયો છે. 21 દિવસના લાંબા વેકેશન બાદ શાળાઓ ફરી શરૂ થતાં શાળા પરિસરોમાં વિદ્યાર્થીઓની ચહલપહલ જોવા મળી રહી છે.
શૈક્ષણિક કેલેન્ડર મુજબ તા. 5 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ દિવાળી, નૂતન વર્ષ સહિતના તહેવારોની પરિવારજનો સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી.
વેકેશન પૂર્ણ થયા બાદ આજે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગ સાથે શાળાએ જવા નીકળ્યા હતા. લાંબા સમય બાદ મિત્રો અને શિક્ષકોને મળવાનો આનંદ વિદ્યાર્થીઓના ચહેરા પર જોવા મળ્યો હતો. ઠંડીનું પ્રમાણ પણ વધતાં વ્હેલી સવારે બાળકો ગરમ વસ્ત્રો પહેરી શાળાએ જવા નીકળ્યાં હતાં.
બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે હવે શાળાઓમાં અધ્યાપન કાર્ય, અભ્યાસક્રમ પૂર્ણ કરવાની કામગીરી તેમજ આગામી પરીક્ષાઓની તૈયારીઓ પર ભાર મૂકવામાં આવશે. વેકેશનના માહોલમાંથી બહાર આવી વિદ્યાર્થીઓ ફરી અભ્યાસના નિયમિત સમયપત્રકમાં જોડાયા છે.


