Homeરાજ્યજામનગરઅડધો કિલોમીટર પગપાળા કરી ૧૦૮ની ટીમ દ્વારા સફળ પ્રસુતિ - VIDEO

અડધો કિલોમીટર પગપાળા કરી ૧૦૮ની ટીમ દ્વારા સફળ પ્રસુતિ – VIDEO

કટોકટીના સમયે જીવનરક્ષક સાબિત થતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાની ટીમે જામનગરમાં વધુ એક વખત સરાહનીય કામગીરી કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારમાં વાડી સુધી એમ્બ્યુલન્સ પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી ૧૦૮ની ટીમે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચી ૨૨ વર્ષીય સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. મહિલાએ તંદુરસ્ત પુત્રને જન્મ આપતાં માતા અને નવજાત બાળકને વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

પ્રાપ્ત વિગતો અનુસાર, ૧૦૮ કંટ્રોલ રૂમ તરફથી પ્રસૂતિના કેસની જાણ થતાં એમ્બ્યુલન્સના પાયલોટ ધવલ કણજારિયા અને ઈએમટી માનવ નાખવા સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. ઠેબા ચોકડી નજીક અલિયા વાડી વિસ્તારની વાડીમાં સગર્ભા મહિલા પ્રસૂતિની પીડા અનુભવી રહી હોવાની જાણ થતાં ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે, વાડી વિસ્તારની અંદર સુધી એમ્બ્યુલન્સ જઈ શકે તેમ ન હોવાથી પાયલોટ અને ઈએમટીએ જરૂરી તબીબી સાધનસામગ્રી સાથે અંદાજે અડધો કિલોમીટર પગપાળા ચાલીને સ્થળ પર પહોંચવાની જહેમત ઉઠાવી હતી. સ્થળ પર પહોંચ્યા બાદ ૨૨ વર્ષીય સંગીબેન મેડા (આદિવાસી)ની પ્રસૂતિના સ્પષ્ટ લક્ષણો જણાતાં તેમને હોસ્પિટલ લઈ જવા માટે સમય ન હોવાથી સ્થળ પર જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

- Advertisement -

૧૦૮ની ટીમની સમયસૂચકતા અને કુશળતાના પરિણામે સંગીબેનની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી હતી અને તેમણે તંદુરસ્ત પુત્રને જન્મ આપ્યો હતો. જોકે, માતાનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોવાનું જણાતાં જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ માતા અને નવજાત પુત્રને વધુ સારવાર અને દેખરેખ માટે જી.જી. હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -

જામનગર ઉપરાંત જામજોધપુર અને લાલપુર તાલુકાના કેટલાક અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ૧૦૮ની ટીમો માટે દર્દીઓ સુધી પહોંચવું પડકારરૂપ બની રહ્યું છે. વાડી વિસ્તારોમાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોય ત્યારે ટીમના સભ્યો અડધાથી એક કિલોમીટર સુધી પગપાળા ચાલીને દર્દીઓ સુધી પહોંચ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ચાલુ વર્ષે આવા અંદાજે દસ જેટલા કેસમાં ૧૦૮ની વિવિધ ટીમોએ ભારે જહેમત ઉઠાવી દર્દીઓને સ્થળ પર જરૂરી સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડ્યા છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતી સગર્ભા મહિલાઓ માટે ૧૦૮ની આ જીવનરક્ષક સેવા આશીર્વાદરૂપ બની રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular