ખંભાળિયા નજીકના શક્તિનગર વાડી વિસ્તારમાં તાજેતરમાં એક રહેણાંક મકાનમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ સહિત લાખો રૂપિયાના મુદામાલની ઘરફોડ ચોરીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. આને અનુલક્ષીને ખંભાળિયા પોલીસે કરેલી તાકીદની કાર્યવાહીમાં આરોપી એવા ભત્રીજાને ઝડપી લઇ, કુલ રૂ. 9.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ ચકચારી બનાવની વિગત મુજબ ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલા પાંચ વાડી ખાતે રહેતા ગોવિંદભાઈ વાલજીભાઈ નકુમ નામના 36 વર્ષના સતવારા યુવાન ગત તા. 4 ઓક્ટોબરના રોજ સુરત ખાતે ગયા હતા. ત્યારે પાછળથી તેમના બંધ મકાનના રસોડાની બારીઓ તોડી રૂમના દરવાજા પાસેનો આગડીયો કાપી, અને કોઈ તસ્કરોએ રૂમમાં રહેલા કબાટમાંથી રૂ. 1.40 લાખની રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 7.70 લાખ જેટલા મુદ્દામાલની ચોરી કરીને લઈ ગયા હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. આ બનાવ બનતા અહીંના જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના એ.એસ.પી. પ્રખર કુમાર તથા ખંભાળિયાના પી.આઈ. સી.આર. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની જુદી જુદી ટુકડીઓએ તસ્કરોને ઝડપી લેવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમે આ પ્રકરણમાં આ જ વિસ્તારમાં રહેતા ફરિયાદી પરિવારના કૌટુંબિક ભત્રીજા ઋત્વિક નીતિનભાઈ નકુમની અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ઉપરોક્ત ચોરીની કબુલાત આપી હતી. આ પછી તેણે ચોરીના રૂ. એક લાખ ચાલીસ હજાર રોકડા તેમજ રૂ. 6.06 લાખના સોનાના દાગીના તેમજ રૂ. 1.65 લાખના આશરે એક કિલોગ્રામ જેટલા ચાંદીના દાગીના મળી કુલ રૂ. 9,12,060 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરોપી યુવાનને પૈસાની જરૂરત હોય, જેથી તેમના કુટુંબીકાકા ગોવિંદભાઈ નકુમ સુરત ગયા હોવાનું ધ્યાને આવતા તેણે ગત તા. 9 ના રોજ આ રહેણાંક મકાનની બાજુમાં આવેલી ઓરડીની બારીને લોખંડના હૂકથી ખોલીને તે ઓરડીમાંથી રસોડાની બારી તોડી અંદર પ્રવેશીને બંને સ્ટીલના આગરીયાને લોખંડ કાપવાના ગ્રાઈન્ડર મશીનથી કાપી નાખી કબાટમાંથી રોકડ રકમ તથા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. સી.આર. રાણા, પી.એસ.આઈ. યુ.કે. જાદવ, એસ.ઓ. સાંધ, જે.ટી. ચાવડા તેમજ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણભાઈ ગોજીયા, કનુભાઈ ચાવડા, હેતલબેન ચોપડા, કાનાભાઈ લુણા, સામતભાઈ ગઢવી, જેઠાભાઈ પરમાર, રાજાભાઈ હુણ, માંડણભાઈ ગઢવી, અરજણભાઈ આંબલીયા, ભુપેન્દ્રસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.


