દ્વારકામાં ભાદરવી પૂનમના પવિત્ર પર્વને લઈને ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા યાત્રાધામમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. દ્વારકાધીશ મંદિર તરફ જતાં માર્ગો પર ભાવિકોની સતત અવરજવર વચ્ચે ટ્રાફિક વ્યવસ્થા અને ભીડનું નિયંત્રણ જાળવવા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડિવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ભાવિકોની અવરજવર તેમજ ટ્રાફિકનું સુચારુ સંચાલન કરવામાં આવ્યું હતું. છપ્પન સીડીથી લઈને સુદામા સેતુ સુધીના મહત્વના માર્ગો પર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે ભીડ વચ્ચે કોઈ અડચણ ન સર્જાય અને ભાવિકોને સરળતાથી મંદિર તરફ અવરજવર કરી શકે તે માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.
View this post on Instagram
દરમિયાન ભારે ભીડ વચ્ચે એક અંતિમયાત્રા પણ પસાર થવાની હોવાથી પોલીસ દ્વારા સમયસૂચક કામગીરી કરવામાં આવી હતી. PSI ગોહેલે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અંતિમયાત્રા માટે માર્ગ ખુલ્લો કરાવ્યો હતો અને પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમયાત્રાને સુરક્ષિત રીતે પસાર કરાવવામાં આવી હતી.
ભાદરવી પૂનમના દિવસે દ્વારકામાં ઉમટેલા ભાવિકોના ભારે ધસારા વચ્ચે પોલીસ દ્વારા ભીડ અને ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરવાની સાથે માનવતાસભર કામગીરી પણ કરવામાં આવતા પોલીસની સમયસૂચક કામગીરીની પ્રશંસા થઈ રહી છે.


