જામનગર મહાનગરપાલિકા હસ્તકની કચરાની ગાડી વધુ એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. જેમાં કચરાની ગાડી રોડ પર ઉભી રાખી ડ્રાઈવર નિંદ્રાધિન થઈ ગયો હતો.
મળતી વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાકટ આપેલી કંપનીના વાહનો છાશવારે ચર્ચામાં રહેતાં હોય છે. આમ તો મહાનગરપાલિકામાં પણ બેદરકારી અવાર-નવાર થતી હોય છે ત્યારે તેના હસ્તકની કચરાની ગાડીઓના ચાલક પણ હવે બેદરકાર બની ગયા છે. હાલમાં જ મહાનગરપાલિકા હસ્તકની જીજે-10-ટીવાય-5829 નંબરની કચરાની ગાડીનો ચાલક જાહેર રોડ પર ગાડી ઉભી રાખી નિંદ્રાધિન થઈ ગયો હતો અને આ ચાલક બે કલાક સુધી તેનું વાહન પાર્કિંગ કરી સુતો રહ્યો હતો. આ સમગ્ર બેદરકારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકમુખે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, કચરાની ગાડીનો ચાલક શું નશાની હાલતમાં હતો ? કે પછી કામના ભારણને કારણે થાકી ગયો હતો ?


