દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટના પગલે સમગ્ર તંત્ર એલર્ટ મોડમાં મુકાયું છે. શનિવાર સવારથી જ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે અરબી સમુદ્રમાં ઊંચા મોજાં અને ભારે કરંટ જોવા મળતા દરિયાકાંઠાના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર દરિયાની જોખમી સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ દરિયાના કરંટથી અજાણ હોવાના કારણે અકસ્માતની શક્યતા રહેતી હોવાથી પોલીસ જવાનો દ્વારા ઘાટ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી લોકોને ત્યાં જતાં અટકાવવામાં આવી રહ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંભવિત આપત્તિને પહોંચી વળવા NDRF અને ફાયર વિભાગની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
અહીંના જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા તેમજ અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે. બીજી તરફ દરિયાની સ્થિતિને જોતા ઓખા અને સલાયામાં બંદર ખાતે ત્રણ નંબરનું ચેતવણી સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે અને માછીમારો સહિત દરિયાકાંઠાના લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.


