દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અને બોગસ રોયલ્ટી પાસના આધારે ખનીજનું વહન કરતા માફિયાઓ રાવલ ગામ પાસે તપાસ દરમિયાન બોગસ અને એડિટ કરેલી રોયલ્ટી પાસ બતાવીને ગેરકાયદેસર રીતે 23.71 મેટ્રિક ટન લાઈમસ્ટોન (ખનીજ)નું વહન કરતા પોરબંદર તાલુકાના મિયાણી ગામના પિતા-પુત્ર સામે કલ્યાણપુર પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા ભુસ્તરવિજ્ઞાન અને ખાણ-ખનીજ ખાતાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર કલરાજ રમણીકભાઇ પટેલ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામ પાસે રાવલ-અડવાણા રોડ પર એક ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકમાં બિનઅધિકૃત રીતે 23.71 મેટ્રિક ટન લાઈમસ્ટોન ખનીજનો જથ્થો ભરેલો હતો.
તપાસ અધિકારીએ ટ્રકચાલક પાસે ખનીજ વહનની રોયલ્ટી માંગતા, આરોપીઓએ આર્થિક ફાયદો મેળવવા અને સરકાર સાથે ઠગાઈ કરવાના ઈરાદે અસલ રોયલ્ટી નંબરમાં તારીખ, સમય, સ્થળ, વજન, ટ્રક નંબર તથા ડ્રાઈવરના નામના વિગતોમાં ફેરફાર કરી નાખ્યો હતો. લિઝધારકે ઈશ્યૂ ન કર્યો હોય તેવો બોગસ પાસ અને એડિટ કરેલું ડિલિવરી ચલણ રજૂ કરી અસલ રોયલ્ટી કરતાં અલગ વજન અને સ્થળેથી ખનીજ ડંગળા ભરી તેનું બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
આ આ બોગસ રોયલ્ટી અને ખનીજ ચોરીના કૌભાંડમાં રામજીભાઇ રામશીભાઇ વાઘેલા (રહે. મિયાણી, તા.જિ. પોરબંદર), રાકેશભાઇ રામજીભાઇ વાઘેલા (રહે. મિયાણી ગામ, તા.જિ. પોરબંદરવાળા) વિરૂદ્ધ કલ્યાણપુર પોલીસે ગુનો નોંધ્યો છે. આ બનાવ બાદ ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ મામલે આંતરિક ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ હોવાથી તા. 30-07ના કલરાજ રમણિકભાઇ પટેલે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ હાજર થઈ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ દ્વારા ખોટા દસ્તાવેજો ઊભા કરવા અને ઠગાઈ કરવી મુજબ નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની સઘન તપાસ કલ્યાણપુર પોલીસ મથકના પી.એસ.આઈ ચલાવી રહ્યા છે.


