દ્વારકા વિસ્તારમાં એલ.સી.બી. પોલીસે રેઇડ દરમિયાન ગઢેચી ગામના વાડી વિસ્તારમાં એક આસામી દ્વારા સૂકા ઘાસ નીચે અંડર ગ્રાઉન્ડ ટાંકો બનાવી ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી અને કુલ રૂપિયા 1,13,250નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ પીઠાભાઈ ગોજિયા, ખીમાભાઈ આંબલિયા અને જયપાલસિંહ જાડેજાને દ્વારકા તાલુકાના ગઢેચી ગામની સીમ વિસ્તારમાં રહેતા રણધીર ઉર્ફે રણધો શુકલભા માણેક નામના શખ્સ દ્વારા પોતાની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળી હતી.
View this post on Instagram
જેના આધારે પોલીસે રેઇડ દરમ્યાન આરોપી દ્વારા પશુને નાખવાના ચારા (સુકાઈ ગયેલા ઘાસ)ની નીચેના ભાગે અંડર ગ્રાઉન્ડ પાણીનો ટાંકો બનાવી છુપી રીતે ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવવામાં આવતી હતી. આ સ્થળેથી પોલીસે રૂ. 76 હજારની કિંમતનો 380 લિટર દેશી દારૂ, 31,250ની કિંમતનો દારૂ બનાવવાનો 1250 લિટર આથો, ધાતુની નળી, ગેસ સિલિન્ડર, લોખંડના ચૂલા સહિત કુલ રૂ. 1,13,250નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસઅર્થે આરોપીનો કબજો મીઠાપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.


