Tuesday, July 7, 2026
Homeરાજ્યજામનગરયુવાન સાથે ઓનલાઇન મિત્રતા કેળવી અપહરણ અને લૂંટ

યુવાન સાથે ઓનલાઇન મિત્રતા કેળવી અપહરણ અને લૂંટ

જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતા યુવાન સાથે ઓનલાઇન ચેટીંગ એપ મારફતે સંપર્ક કરી ચાર શખ્સોએ પૂર્વયોજિત કાવતરું રચી સ્વિફ્ટ કારમાં અપહરણ કરી બે ભાઇના ડૂંગર પાસે લઇ જઇ છરી અને ધોકો બતાવી એક લાખ ન આપતાં યુવાનને ગાળો કાઢી મોબાઇલ ફોન, એટીએમ કાર્ડ, રોકડ મળી રૂા. 74 હજારની લૂંટના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં સરદારનગર, સબસેન્ટર દવાખાનાની સામે, મકાન નંબર 39/7માં રહેતા અને મજૂરીકામ કરતાં ભીખાલાલ ઉર્ફે રણમલ ભોજાભાઇ કળોતરા (ઉ.વ. 37) નામના યુવાન સાથે ઓનલાઇન ચેટીંગ એપ મારફતે રવિરાજ નામના શખ્સનો સંપર્ક થયો હતો. રવિરાજ તથા તેના અન્ય ત્રણ મિત્રોએ સાથે મળીને ભીખા પાસેથી રૂપિયા પડાવવા માટે પૂર્વયોજિત કાવતરૂં રચ્યું હતું. જેના ભાગરૂપે રવિરાજે ભીખાલાલને ગત્ તા. 02ના સાંજના 6.00 વાગ્યાના અરસામાં દડિયા ગામમાં આવેલા દડિયા ટી પોઇન્ટ પર મળવા બોલાવ્યો હતો. જ્યાંથી ભીખાલાલને જીજે10 ઇએચ 1605 નંબરની સ્વિફ્ટ કારમાં બેસાડી બે ભાઇના ડૂંગર પાસે લઇ આવ્યો હતો. જ્યાં રવિરાજે તેના ત્રણ મિત્રોને બોલાવી ચારેય શખ્સોએ એકસંપ કરી ભીખાલાલને માર મારી અપહરણ કરી કારમાં બેસાડી દીધો હતો.

ત્યારબાદ એક શખ્સે છરી અને અન્ય એક શખ્સે ધોકો બતાવી ભીખા પાસે રૂપિયા એક લાખની ખંડણી માંગી હતી. ભીખાએ રૂપિયા ન આપતાં ચારેય શખ્સોએ ભીખાને ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલો રૂા. 15 હજારની કિંમતનો ફોન, એટીએમ કાર્ડ તથા રૂપિયા એક હજારની રોકડ ભરેલું પાકિટ લૂંટી લીધું હતું. ત્યારબાદ ચારેય શખ્સોએ ભીખાલાલના ખાતામાંથી રૂપિયા 58 હજાર ઉપાડી લીધાં હતાં. આમ, ચાર શખ્સોએ ઓનલાઇન ચેટિંગ એપ મારફતે યુવાનનો સંપર્ક કર્યા બાદ અપહરણ કરી લૂંટ ચલાવ્યાના બનાવ અંગેની જાણ કરાતા પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી અપહરણકર્તાઓની શોધખોળ માટે તજવીજ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular