Friday, June 19, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાંથી ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ખંભાળિયામાંથી ગેરકાયદેસર રીતે એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

રૂ. 1.08 કરોડનો મુદ્દામાલ કબ્જે કરતી એસઓજી

ખંભાળિયામાંથી દ્વારકા એસઓજી પોલીસે ત્રણ શખ્સોને એમ્બરગ્રીસ (કસ્તૂરી) અને સિંહના નખ સાથે ઝડપી લઇ કુલ રૂપિયા 1.08 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલી વન્યજીવ તથા દરિયાઈ જીવસૃષ્ટિના પ્રતિબંધિત અને અતિ મૂલ્યવાન અંગોની ગેરકાયદેસર રીતે થતા ખરીદ-વેચાણ, સંગ્રહ અને હેરાફેરી કરતા તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા તેમજ તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

જે અંતર્ગત પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયાની ટીમ દ્વારા ગુરુવારે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા અને મહાવીરસિંહ ગોહિલને મળેલી બાતમીના આધારે ખંભાળિયા શહેરમાં મહારાણા પ્રતાપની પ્રતિમા પાસે ઊભેલા બે શખ્સોને શંકાના આધારે ઝડપી લઇ પૂછતાછ કરતા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રહીશ એવા રાકેશ ભગવાનજીભાઈ રામજીભાઈ સાંખટ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લાખા બાલાભાઈ ચનાભાઈ ડોડીયા નામના આ બે શખ્સો પાસે કોથળીમાં છુપાવીને રાખવામાં આવેલી વહેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)ના ટુકડા મળી આવ્યા હતા. આ એમ્બરગ્રીસનું વેચાણ કરવા બંને શખ્સો ગ્રાહકોને શોધવા માટે નીકળતા એસઓજીએ ઝડપી લીધા હતા.

- Advertisement -

આમ, આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 1,06,50,000ની કિંમતની 1 કિલો 65 ગ્રામ જેટલી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ)નો જથ્થો કબજે કરી મરીન નેશનલ પાર્કના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સ્ટાફના વિજયસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ખંભાળિયાની સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલા મંદિર પાસેથી જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ફિરોજ મામદ મકવાણા નામના શખ્સની અટકાયત કરી, ચેકિંગ દરમિયાન તેની પાસેથી કસ્તુરી તથા સિંહના બે નખ મળી આવ્યા હતા. જેના કોઈપણ પ્રકારના આધાર કે પુરાવા શખ્સ પાસે ન હતા. આમ, આરોપી ફિરોઝ મકવાણાના કબ્જામાંથી પોલીસે રૂ. એક લાખની કિંમતની કસ્તુરી તેમજ રૂ. 20,000ની કિંમતના સિંહના બે નખ કબ્જે કરી આગળની તપાસઅર્થે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવી હતી. આ બંને કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 1,06,50,000 ની કિંમતની એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી), રૂ. એક લાખની કિંમતની કસ્તુરી અને રૂપિયા 20 હજારની કિંમતના સિંહના બે નખ મળી કુલ રૂપિયા એક કરોડ સાત લાખ સીતેર હજારનો મુદ્દામાલ કબ્જે કરી, ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ દરોડાની કાર્યવાહી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. વી.એ. રાણા, પી.એસ.આઈ. વી.એન. સિંગરખીયા, હરદેવસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા, લખમણભાઈ આંબલીયા, સુમાતભાઈ ચાવડા અને જગદીશભાઈ કરમુર દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular