જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલી કરોડોની કિંમતી સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. માનનીય જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રેવન્યુ અને સિટી સર્વે નંબર 40 પૈકી 1ની સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની કામગીરી ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ બેડીના પાણખાણ નજીક આવેલા વિસ્તારમાં અંદાજે 918 ચોરસ મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ દબાણોને દૂર કરવા માટે ચાર જેટલા જેસીબી સહિતનો કાફલો તૈનાત કરી કામગીરી હાથ ધરવામાં આવી છે. 4 જેસીબીની મદદથી દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
View this post on Instagram
પ્રાંત અધિકારી સુધીર બારડના જણાવ્યા મુજબ સર્વે નંબર હેઠળ આવતી કુલ જમીનનું ક્ષેત્રફળ આશરે 12,950 ચોરસ મીટર છે. જંત્રી દર મુજબ આ જમીનની અંદાજિત કિંમત રૂપિયા 16 કરોડ 50 લાખ જેટલી થાય છે. તંત્ર દ્વારા સમગ્ર જમીનને દબાણમુક્ત કરી સરકારી કબજામાં લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ સાયચા ગેંગ સાથે સંકળાયેલા કેટલાક સભ્યો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો સામે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા એક પછી એક દબાણો દૂર કરી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી રહી છે.
કાર્યવાહીના સ્થળે મામલતદાર હસમુખ દલવાડી, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિત રેવન્યુ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યા છે. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ મોટી સંખ્યામાં પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલ દબાણ દૂર કરવાની કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે.
જામનગરમાં સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો છે. હાલ બેડી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ચાલુ છે.


