જામનગર જિલ્લા પંચાયતની હેલ્થ વિભાગ કચેરીમાં આજે સવારના સમયે અકસ્માતે આગ લાગી હતી. કચેરીમાં કોમ્પ્યુટરો, પ્રિન્ટરો, કાગળો સહિતનો સામાન આગની ઝપેટમાં આવતા થોડી ક્ષણોમાં આગે મોટુ સ્વરૂપ ધારણ કર્યુ હતું. ફાયર વિભાગે તાબડતોબ દોડી જઇ આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી.
આગના બનાવની વિગત મુજબ જામનગર જિલ્લા પંચાયતની હેલ્થ વિભાગ કચેરીમાં આજે સવારના સમયે અકસ્માતે આગ લાગી હતી. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તુરતજ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને બીજા માળે આવેલી હેલ્થ વિભાગની કચેરીમાં સૌપ્રથમ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જામનગર જિલ્લા પંચાયતના સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ વહેલી સવારે 6-30 વાગ્યા આજુબાજુ આગ લાગ્યાનો કોલ ફાયર બ્રિગેડ ની ટીમને કર્યો હતો, તેથી સ્ટેશન ફાયર ઓફિસર જે કે ડામોર પોતાની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી.
View this post on Instagram
સમયસર આગ કાબુમાં આવી ગઈ હોવાથી અન્ય વિભાગમાં આગ પ્રસરતી અટકી હતી. હેલ્થ વિભાગના ડીપીએમયુ બ્રાન્ચમાં 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર તથા કચેરીને લગતું અન્ય સાહિત્ય અને ફર્નિચર વગેરે આ આગમાં બળીને ખાખ થયા હતા, જેથી જિલ્લા પંચાયતની આ કચેરીને રૂપિયા નવ લાખથી વધુનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયત નો આરોગ્ય વિભાગનો અધિકારીઓ સહિતના કાફલો દોડી આવ્યો હતો, અને આ કચેરીમાં આગ કઈ રીતે લાગી છે, તેમ જ કેટલું નુકસાન થયું છે, વગેરે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વહેલી સવારે આગની ઘટના બની હોવાથી સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી.


