સુરજકરાડી વિસ્તારમાં ગઇકાલે બપોરના સમયે 11 કે.વી. હાઇવોલ્ટેજ ચાલુ વીજ લાઇન ઉપર બાંધકામ ટ્રોલી ખાબકતા દોડધામ મચી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ આ અકસ્માતે તંત્રની ઢીલી નિતી ઉઘાડી પાડી હતી.
ગઇકાલે સોમવારે બપોરના સમયે ઓખા નગરપાલિકાના સુરજકરાડી હાઇવે રોડ પાસે સરકારી શાળાની તદન નજીક આવેલ પાંચ માળના કોમર્શીયલ બાંધકામના ચાલુ કામ દરમિયાન પાંચમાં માળેથી ટ્રોલી 11 કે.વી. ચાલુ વીજ વાયર ઉપર પડી હતી. જેને લઇ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ આ અકસ્માતે ઓખા નગરપાલિકાની બેજવાબદારભરી અને લોકોના જીવ સાથે ચેડા કરતી નીતિને ઉઘાડી કરી નાખી હતી. જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં રહેણાંક વિસ્તાર આવેલો છે. જ્યારે સુરજકરાડી ગ્રામ પંચાયત હતું ત્યારે આ પાંચ માળનું બિલ્ડીંગ બન્યુ ત્યાં માત્ર શોપીંગ સેન્ટર હતું. આ ખખધજ શોપીંગ સેન્ટરને પાડીને કોમર્શીયલ બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પ્રશ્ર્ન એ થાય છે કે સરકારી શાળાની તદન નજીક અને ભરચક રહેણાંક વિસ્તારમાં પાંચ કે છ માળની કોમર્શીયલ બિલ્ડીંગની નગરપાલિકાએ મંજુર કઇ રીતે આપી? આ બિલ્ડીંગમાં 60 થી 70 દુકાનો ચાલુ થશે ત્યારે દુકાન માલીકો અને ગ્રાહકો વાહનો કયાં રાખશે?
તેમજ ઓખા નગરપાલિકા આ બાબતે આંખ આડા કાન કરતુ હોવાનું અને પાંચ કે છ માળના કોમર્શીયલ બિલ્ડીંગના નિર્માણમાં 100% જમીનનો ઉપયોગ થવામાં પાર્કીગ માટે કોઇ જગ્યા ન મુકાય તો ભવિષ્યમાં અકસ્માત માટે કોણ જવાબદાર ? લોકોમાં ચર્ચાય રહ્યું છે. આ ઉપરાંત બેટઓખા, આરંભડા અને સુરજકરાડીની સંયુકત નગરપાલિકામાં ચીફ ઓફીસરની જગ્યા ખાલી હોય દ્વારકાના ચીફ ઓફીસર મહિનામાં બે-ચાર વખત આવી ગાડુ ગબડાવતા હોય તે પણ ચર્ચાનો મુદો બન્યો છે. અકસ્માતને પગલે 9 કલાક સુધી આખુ ટાઉન લાઇટ વીના ગરમીમાં સેકાયું હતું.


