કાલાવડ તાલુકાના અરલા-જામવાડીના કાચા રોડ ઉપર ઉછીના આપેલા રૂપિયાની માંગણી સંદર્ભે મછલીવાડના યુવક ઉપર અરલા ગામના બે શખ્સોએ લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યા બાદ પતાવી દેવાન ધમકી આપી હતી. સામાપક્ષેએ શનિવારે બપોરના સમયે યુવાન અને તેના પુત્ર ઉપર ત્રણ શખ્સોએ ધારિયા અને લોખંડના પાઇપ તેમજ કૂહાડી વડે હુમલો કર્યો હતો. જ્યારે સામાપક્ષે બે શખ્સોએ યુવક ઉપર ધોકા વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના મછલીવાડ ગામમાં રહેતા અને ખેતી કરતાં ધર્મરાજસિંહ ઉર્ફે ધમભા દીગુભા જાડેજા (ઉ.વ.23)એ અરલા ગામના ઇલિયાસ શેખને હાથ ઉછલીના રૂા. 15 હજાર આપ્યા હતા. આ રૂપિયા ઇલિયાસ આપતો ન હતો અને આ રૂપિયા આપવા માટે ઇમ્તિયાઝ વચ્ચે રહ્યો હતો. જેથી ધર્મરાજએ ઇમ્તિયાઝને ફોન કરીને ઇલિયાસ મને રૂપિયા નથી આપતો તો તમે વચ્ચે હતાં. માટે રૂપિયા તમારે આપવા પડશે. તેમ કહેતા ઇમ્તિયાઝએ ગત્ તા. 03ના રોજ બપોરના સમયે અરલા-જામવાડીના કાચા રોડ ઉપર ઝખરિયા ડૂંગરની ગોળાઇ પાસે બોલાવ્યા હતા. જ્યાં ઇમ્તિયાઝ નૂરમામદ આદમાણી અને ઇમરાન નામના બે શખ્સોએ ધર્મરાજને જેમ ફાવે તેમ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ધમકી આપી હતી કે બીજીવાર જો રૂપિયાની માંગણી કરીશ તો પતાવી દઇશું. આ બનાવ અંગે ધર્મરાજસિંહ દ્વારા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી.
આ બનાવના બીજા દિવસે કાલાવડ તાલુકાના અરલા ગામમાં રહેતા ડ્રાઇવર ઇમ્તિયાઝ નૂરમામદ આદમાણી (ઉ.વ.42)ના મિત્ર ઇલીયાસ શેખને મછલીવાડ ગામના ધર્મરાજસિંહ ઉર્ફે ધમભા જાડેજાએ વ્યાજે પૈસા આપ્યા હતા અને આ પૈસાની ઉઘરાણી માટે ધર્મરાજસિંહએ ઈમ્તિયાઝને ફોનમાં ગાળો કાઢી હતી. અરલા-જામવાડીના કાચા રોડ ઉપર ઝખરિયા ડૂંગરની ગોળાઇ પાસે શનિવારે બપોરે બોલાવ્યો હતો. ત્યાં ધર્મરાજસિંહ તથા બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ બાઇક પર આવી અને ઇમ્તિયાઝ ઉપર ધારિયા તથા કૂહાડી વડે હુમલો કર્યો હતો. જેમાં ઇમ્યિતાઝ અને તેના પુત્ર વાસીતને ઇજા પહોંચી હતી. અજાણ્યા શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી.
સામસામા કરાયેલા હુમલામાં પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફએ ધર્મરાજસિંહની તથા ઇમ્તિયાઝની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


