જામનગર શહેરમાં આજે તાત્કાલિક ચેતવણીજનક સ્થિતિ ઊભી થઈ હતી, જ્યારે શહેરની RTO કચેરીને બૉમ્બ હોવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો. ધમકી મળતાની સાથે જ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને સલામતીને પ્રાથમિકતા આપતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા.
ઈમેલ દ્વારા મળેલી આ ધમકી ગંભીર હોવાને કારણે RTO કચેરીને તરત જ ખાલી કરાવવામાં આવી હતી. કચેરીમાં હાજર તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારોને સુરક્ષિત રીતે બહાર ખસેડવામાં આવ્યા હતા, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. સમગ્ર પ્રક્રિયા દરમિયાન શાંતિપૂર્ણ રીતે લોકોનું બિલ્ડીંગના બહાર કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા જ RTO દ્વારા પોલીસ, લગત એજન્સીઓને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા કચેરી વિસ્તારને કોર્ડન કરીને આસપાસની સુરક્ષા વધુ કડક બનાવવામાં આવી હતી. કોઈપણ શંકાસ્પદ હલચલ પર નજર રાખવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.
View this post on Instagram
બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડની વિશેષ ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ટીમ દ્વારા સમગ્ર બિલ્ડિંગનું સુક્ષ્મ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દરેક રૂમ, ઓફિસ અને પરિસરની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સાધનોની મદદથી પણ શંકાસ્પદ વસ્તુઓની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે.
સુરક્ષા કારણોસર RTO કચેરીનું નિયમિત કામકાજ તાત્કાલિક અસરથી બંધ રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ અને સંપૂર્ણ સુરક્ષા ખાતરી થયા પછી જ કચેરી ફરી શરૂ કરવામાં આવશે.
પ્રાથમિક માહિતી મુજબ આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી હોવાને કારણે પોલીસ હવે ઈમેલના સ્ત્રોત અને મોકલનાર વ્યક્તિ સુધી પહોંચવા માટે તપાસ શરુ કરી છે . સમગ્ર ઘટનાને લઈ શહેરમાં થોડીવાર માટે ભયનો માહોલ સર્જાયો હતો, જોકે તંત્રની તાત્કાલિક કામગીરીને કારણે સ્થિતિ નિયંત્રણમાં રહી હતી.
હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલુ છે અને કોઈપણ સંભવિત ખતરા સામે સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થતા કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી.


