જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આજે સવારે ભેંસ દોહવાની બાબતે માલધારી પરિવાર ઉપર આઠ જેટલા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે હુમલો કરતાં ઘવાયેલા ચાર વ્યક્તિઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નાઘેડી ગામમાં આજે સવારે ભેંસો દોહવાની બાબતે પુનાભાઇ ખેતાભાઇ બાંભવા, ડાયાભાઇ ખેતાભા બાંભવા, કારાભાઇ ખેતાભાઇ બાંભવા અને કમલેશ જગાભાઇ ઝુંઝા નામના ચાર વ્યક્તિઓ ઉપર સાતથી આઠ જેટલા અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે આવીને હુમલો કરતાં ચારેય વ્યકિતઓને શરીરે તથા માથામાં ઇજાઓ પહોંચી હતી. હુમલાખોરો દ્વારા ઇજા પહોંચાડાયા બાદ ચાર વ્યક્તિઓને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ ઇજાગ્રસ્તના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.


