હાપા નજીક જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ઓવર બ્રિજ તૈયાર થઇ ગયો હોવા છતાં લોકાર્પણ ન કરાતાં વિપક્ષ દ્વારા બ્રિજની આડશો હટાવીને બ્રિજ ખુલ્લો મુકયો હતો. જો કે, તુરંત જ પોલીસ દ્વારા ફરી આડશો મૂકી દેવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે અચાનક આશ્ર્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના જણાવ્યાનુસાર એકાદ માસ કરતાં વધુ સમયથી બ્રીજ તૈયાર હોવા છતાં ખુલ્લો મૂકાયો ન હોય જેથી નાની બાળાને સાથે રાખીને પૂલ વચ્ચેની આડશો દૂર કરવામાં આવી હતી. લોકો માટે આ બ્રીજ ખુલ્લો મૂકાયો હતો. કોંગ્રેસના આશ્ર્ચર્યજનક કાર્યક્રમને લઇ થોડીવાર નાશભાગ પણ થઇ જવા પામી હતી. કોંગ્રેસ દ્વારા આ આડશો હટાવ્યા બાદ પોલીસ દોડી જઇ આડશો ફરી મૂકી દીધી હતી.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા ધવલ નંદા, પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સહારાબેન મકવાણા સહિતના અગ્રણી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.


