શહેરમાં પ્રદર્શન મેદાન ખાતે જામનગર મહાનગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળામાં પ્લોટ ધારકો દ્વારા નિર્ધારિત પ્લોટની બહાર મંજુરી વિના બે રાઇડ્સ ખડકી દેવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાને આ અંગે જાણ થતાં એસ્ટેટ શાખાની ટીમ દોડી ગઇ હતી. અને નિર્ધારીત પ્લોટની બહાર લગાવેલી બે રાઇડ્સ સીલ કરવામાં આવી હતી. અને રાઇડ ધારકોને નિર્ધારીત પ્લોટમાં જ રાઇડ્સ લગાવવા તાકીદ કરવામાં આવી હતી.
View this post on Instagram
જામનગર મહાનગરપાલિકા પ્રદર્શન મેદાનમાં લોકમેળાનું આયોજન કરાયું છે. મેળા મેદાનમાં લગાવેલી બેરાઈડ કે જેના બે સંચાલકોએ નિર્ધારિત જગ્યા કરતાં વધારે જગ્યા વાપરીને મોટી રાઈડ લગાવી હોવાથી તંત્ર દ્વારા બે રાઇડને બહાર કાઢી લેવા માટેની સૂચના આપવામાં આવી હતી, પરંતુ રાઈડ ધારકો દ્વારા તે રાઈડને બહાર કઢાઈ ન હતી. તે પૈકી ચિલ્ડ્રન રાઈડ ના ત્રણ નંબરના પ્લોટ માં લગાવેલી નાવડી નામની રાઈડ કે જેના પર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટીમે સાંકળ બાંધી તાળા મારી દીધા છે, અને રાઈડને સીલ કરી છે. તે ઉપરાંત ચિલ્ડ્રન રાઈડના આઠ નંબરના પ્લોટમાં પણ બ્રેકડાન્સ નામની રાઈડ કે જે નિર્ધારિત પ્લોટ કરતાં વધારે જગ્યામાં લગાવેલી હોવાથી તેને પણ સીલ મારી દેવાયા છે, અને તાત્કાલિક અસરથી બન્ને રાઈડને ખોલીને જગ્યા ખુલી કરી આપવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી મેળા મેદાનમાં બંદોબસ્ત માટે ગોઠવાઇ હતી. તેઓના ચેકીંગ દરમિયાન કોઇપણ પ્રકારની મંજૂરી વગર પાંચ રેકડી ધારકો મેળા મેદાનમાં ઘૂસી આવ્યા હોવાથી પાંચ રેકડીઓને બહાર કઢાવાઇ હતી. જ્યારે હાથથી ચાલતી ચાર ચકરડીને પણ બહાર કઢાવી નાખવામાં આવી છે અને કોર્ટના હુકમ અનુસાર હાલ મેળો શરૂ કરાયો નથી. જેનો આખરી હુકમ આવી જાય, ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરાશે.


