જામનગર જિલ્લામાં આવેલા ભોળેશ્વર મહાદેવ મંદિર શ્રાવણ માસમાં ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બનતું હોય છે. લાલપુર તાલુકાના ગજણા ગામે, ત્રિવેણી સંગમના પવિત્ર તટે સ્થિત આ સ્વયંભૂ શિવલિંગ ધરાવતું મંદિર અંદાજે 453 વર્ષ જૂનું છે અને તેનું ઐતિહાસિક મહત્વ તેમજ લોકમાન્યતાઓ સાથે ઊંડો નાતો ધરાવે છે. શ્રાવણ માસના દરેક સોમવારે અહીં ભક્તોની ભીડ ઉમટી પડે છે, જેમાંથી બીજા સોમવારે ખાસ કરીને ભારે પદયાત્રા જોવા મળી.
ભોળેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ છે અને વર્ષે વર્ષ તેમાં માપે લગદો વધારો થતો હોવાનું કહેવાય છે. એક લોકકથા મુજબ, ગજણાના એક ગોવાળીયા ને તેના સ્વપ્નમાં ભગવાન શંકર દર્શન આપી શિવલિંગના સ્થાન વિશે જણાવ્યું હતું. ગાય રોજ સાંજે એક રાફડા પર દૂધ વરસાવતી હતી, જ્યાં ખોદકામ કરતા શિવલિંગ પ્રગટ થયું. તેને ગામમાં લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ શિવલિંગએ આ સ્થાન છોડવાનું નકાર્યું. ત્યારબાદ ગાય દ્વારા થયેલા પાવન અભિષેક સમયે થયેલા ચરણપ્રહારમાં ત્રિશૂળ જેવા નિશાન પડ્યા અને લોહી વહયું હતું, જેના કારણે આ સ્થાન વધુ પવિત્ર માનવામાં આવે છે.
ભોળેશ્વર મહાદેવ મંદિર લાલપુરના મુરીલા માર્ગે ત્રિવેણી સંગમ નજીક વસેલું છે. અહીં ત્રણ નદીઓનો સંગમ થતો હોવાથી સમગ્ર વિસ્તારમાં ધાર્મિક શાંતિ સાથે કુદરતી સૌંદર્યનું મહત્ત્વપૂર્ણ મિશ્રણ જોવા મળે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે ખાસ કરીને રવિવારની રાત્રિથી શરૂ થતા પદયાત્રાળુઓનો લોટ જામનગરથી ભોળેશ્વર મહાદેવ સુધીના માર્ગ પર જોવા મળે છે. પદયાત્રીઓ ભક્તિભાવ સાથે પગપાળા મુસાફરી કરતા દર્શનાર્થે ભોળેશ્વર મહાદેવના ધામ પહોંચે છે. આ સમયગાળા દરમિયાન આખું હાલાર પ્રદેશ શિવમય બની જાય છે. વર્ષે શ્રધ્ધાળુઓની સંખ્યામા વધારો થતો જાય છે. પદયાત્રીઓની સાથે વાહનોથી પણ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ભોળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણી સોમવારના રોજ આવતા હોય છે. જામનગરથી ભોળેશ્વર માર્ગમા મોડી રાત્રે ઠેર-ઠેર ટ્રાફીક જામ સર્જાય છે.
સેવાકીય કેમ્પ અને ભક્તિ યાત્રાનું આયોજન:
પદયાત્રાળુઓ માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા માર્ગમાં ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરાતા હોય છે. આવા કેમ્પોમાં પ્રસાદ, ફળાહાર, ચા-પાણી અને આરામની વ્યવસ્થા કરવામાં આવે છે, જેથી યાત્રાળુઓની ભક્તિયાત્રા સરળ બને.
જામનગરના લાલપુર માર્ગ પર બાદશાહ સર્કલ પાસે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ એસોસિએશન દ્વારા આયોજન કરવામાં આવેલ સેવા કેમ્પ વિશેષ આકર્ષણ બન્યો હતો. ઉદ્યોગકારો તથા તેમની ટીમ દ્વારા ચાલતા આ કેમ્પમાં ભજન, ભોજન અને ફળાહારની વ્યવસ્થાઓ સાથે ભક્તોને અનોખી ભક્તિનો અનુભવ થયો . અંદાજે 300 સ્વયંસેવક દ્વારા સેવા કરવામા આવે છે. ભોળેશ્વર મહાદેવના મંદિર અને જામનગર વચ્ચે આવેલા સેવા કેમ્પમા અંદાજે 10 હજારથી શ્રધ્ધાળુઓ સેવાનો લાભ લીધો હતો. આ પવિત્ર સ્થાન જામનગર જિલ્લાની સાથે સમગ્ર સૌરાષ્ટ્રના ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં ભક્તોની અવિરત હાજરી મંદિરની લોકપ્રિયતા અને શક્તિનો પ્રમાણપત્ર છે. ભોળેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા, ચમત્કાર અને ભક્તિનો જીવંત પુરાવો છે. પ્રાચીન વારસો અને આધ્યાત્મિક પરંપરાનું અનોખું સમન્વય ધરાવતું આ સ્થાન શ્રાવણમાં શિવભક્તોની પદયાત્રા અને સેવાકીય કાર્યો દ્વારા ભક્તિ ભાવના વધારતું પવિત્ર તીર્થબનીગયુંછે.


