હાલમાં થયેલા વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં માર્ગોની સ્થિતિ ખરાબ થતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ત્વરિત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના કમિશ્નર દિનેશ મોદી આજે સ્થાનિક અધિકારીઓની ટીમ સાથે શહેરના રસ્તાઓની મુલાકાત લીધી હતી.
વિશેષરૂપે, દરેડ વિસ્તાર અને મહાપ્રભુજીની બેઠક નજીકના મુખ્ય માર્ગોની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યાં પણ ખાડા થયા છે અથવા રસ્તા ખરાબ હાલતમાં છે, ત્યાં રીપેર અને પેચવર્કના કામો તાત્કાલિક હાથ ધરવામાં આવ્યા છે.
આ કામગીરી આગામી ત્રણ દિવસ સુધી સતત ચાલી રહી છે, જેથી સમગ્ર શહેરમાં તુરંત અને સારી રીતે માર્ગવ્યવસ્થાની પુન:સ્થાપના થઈ શકે. કમિશ્નર દિનેશ મોદીની સાથે નિરીક્ષણ દરમ્યાન વિવિધ વિભાગના ડેપ્યુટી કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સીટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગ ના રાજેન્દ્ર જાની સહીતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. કામનુ નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું અને કામ ઝડપથી તેમજ ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તેવા આદેશો આપ્યા.
મહાનગરપાલિકા દ્વારા જનહિત માટે આવી કામગીરી સતત હાથ ધરવામાં આવે છે અને આવનારા દિવસોમાં પણ આવા કામગીરી વધુ સક્રિયરૂપે ચાલુ રહેશે.


