ભાણવડના ખાતેદાર ખેડૂતનું ખોટું પ્રમાણપત્ર મેળવી ખેતીની જમીન ખરીદ કરી ખાતદાર ખેડૂત થયાના કેસમાં કલેકટર દ્વારા ખરીદ કરેલ જમીન શ્રીસરકાર દાખલ કરવા તથા જુદા જુદા કાયદાના ભંગ સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌપ્રથમ વખત રૂા. 1,41,81,102 નો દંડ ફટકારી ફોજદારી ફરિયાદ કરવાનો હુકમ કરતાં ચકચાર જાગી હતી.
આ ચકચારી કેસની વિગત મુજબ ભાણવડમાં રહેતા જેન્તીલાલ ધનજીભાઈ જેઠવાએ પોતાની કે પોતાના વડીલોના નામે કોઈ ખેતીની જમીન આવેલ ન હોવા છતાં ભણગોર ગામે રહેતાં જયંતિલાલ ધનજીભાઈ પટેલના નામે રહેલ ખેતીની જમીન પરત્વે જયંતિલાલ ધનજીના નામનું ખાતેદાર ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. બાદમાં તેમણે આ ખોટા પ્રમાણપત્રના આધારે જામ ખંભાલિયા તાલુકાના લલીયા ગામે ખેતીની જમીન ખરીદ કરી હતી. અને ત્યારબાદ તેના આધારે ફોટ ગામે જુદા જુદા સર્વે નંબરોવાળી ઘણી જ મોટી ખેતીની જમીન ખરીદ કરી લીધી હતી.
લલીયા ગામે પ્રથમ ખોટા પ્રમાણપત્ર આધારે ખેતીની જમીન ખરીદ કરી તે બાબત કોઈને ગંધ ન આવે તે માટે આ જમીનનો જયંતિલાલ ધનજીના નામનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ તેમનાં જ પત્નિ અને ભાણવડના જાણીતા વકીલ મીનાબેન ટી. નાણાવટીએ ડ્રાફટ કરી પોતાની સહી કરી હતી. કહેવાય છે કે, ભાણવડ તાલુકાના રેંટા કાલાવડ ગામે બંધાતાં ડેમમાં ફોટ ગામની જમીન સંપાદન થનાર હોય તે કિંમતી જમીન સરકાર પાસેથી મોટું વળતર મેળવવા આ જયંતિલાલ ધનજીએ ખરીદ કરી લીધેલ હતી.
આ પ્રકરણમાં જિલ્લા કલેકટર-દેવભૂમિ દ્વારકા સમક્ષ ફરિયાદ થતાં તેઓએ કેસ ચલાવી જિલ્લા કલેકટરએ મજકુર જેન્તીલાલ ધનજીભાઈ જેઠવાએ ખોટા પ્રમાણપત્ર આધારે ખરીદ કરેલ જમીન સરકાર દાખલ કરવા આ જમીન સબંધે પડેલ ઉત્તરોત્તર એન્ટ્રીઓ રદ કરવા હુકમ કરેલ છે. તથા મજકુર જેન્તીલાલ ધનજીભાઈ જેઠવા સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા ભાણવડના મામલતદારને અધિકૃત કરેલ છે તથા જુદા જુદા કાયદાઓના ભંગ કરી ખોટી રીતે ખાતેદાર ખેડુત થવા બદલ જેન્તીલાલ ધનજીભાઈ જેઠવાને રૂા. 1,41,81,102 નો દંડ કરેલ છે.
આ કેસમાં એવી રજુઆત થઈ હતી કે, લલીયા ગામના ખોટા ખાતેદાર ખેડુત થયા પછી મજકુરે કચ્છ જિલ્લામાં પણ ખેતીની જમીન ખરીદ કરેલ છે. તેથી કચ્છના કલેકટરને પણ આ બાબત તપાસ કરવા જણાવેલ છે. ઉપરાંત મજકુરે લલીયા ગામના ખાતેદાર ખેડુત તરીકેનો આધાર લઈ ખોટા ખેડુત પ્રમાણપત્ર લીધેલ હોય તો તે અંગે તપાસ કરી તમામ પ્રમાણપત્રો રદ કરવા હુકમ કરેલ છે.


