જામનગર તાલુકાના ખીજડિયા ગામ નજીક આવેલા પક્ષી અભ્યારણ્યમાં ફલેમિંગો વોચ ટાવર પાસે વનરક્ષક કર્મચારીઓ પ્રતિબંધિત વિસ્તારમાં ચરી રહેલી ભેંસોને ડબ્બે પૂરવા લઇ જતા હતા ત્યારે ત્રણ શખ્સોએ બાઇક પર આવી ગેડિયા (લાકડી) વડે મહિલા કર્મચારીઓ સહિતના પાંચ કર્મચારી ઉપર હુમલો કરતા ઘવાયેલા કર્મચારીઓને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
View this post on Instagram
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખીજડિયા નજીક આવેલા પક્ષી અભ્યારણ્યમાં વનરક્ષક તરીકે ફરજ બજાવતાં અને ફોરેસ્ટ કોલોની ક્વાર્ટર્સમાં રહેતા લગધીરસિંહ ધીરૂભા અને જીજ્ઞાશાબેન નામના બન્ને કર્મચારીઓ ગઇકાલે બપોરના સમયે તેની ફરજ પર હતા ત્યારે પક્ષી અભ્યારણ્યના ફલેમિંગો વોચ ટાવર પાસેના જાંબુડા પ્રતિબંધિત વિસ્તારમાં ભેંસો ચરી રહી હતી. જેથી લગધીરસિંહ અને જીજ્ઞાશાબેન, અશોકભાઇ, વીરજુભાઇ સહિતના પાંચ કર્મચારીઓ આ ભેંસોને ખીજડિયા કેમ્પસના ડબ્બે પૂરવા લઇ જતા હતા ત્યારે જાંબુડા ગામના પોપટ સુરા રાતડિયા, વાલસુર હેમરાજ વીર, વાલા ડોસા ચારણ સહિતના ત્રણ શખ્સોએ બાઇક પર આવી લગધીરસિંહ અને જીજ્ઞાશાબેન સહિતના પાંચ કર્મચારીઓ ઉપર ગેડિયા (લાકડી) વડે આડેધડ હુમલો કરી ઇજા પહોંચાડી હતી તેમજ વનપાલ જીજ્ઞાશાબેનને મુક્કો મારી પછાડી દઇ ઇજા પહોંચાડી હતી.
તેમજ અશોકભાઇ તથા વીરજુભાઇ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી. ખીજડિયા પક્ષી અભ્યારણ્યના પાંચ કર્મચારીઓ ઉપર કરાયેલા હુમલામાં ઘવાયેલા કર્મચારીઓને જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણ થતાં રેન્જ ફોરેસ્ટ અધિકારી દક્ષાબેન વઘાસિયા સહિતના અધિકારીઓ હોસ્પિટલે આવી પહોંચ્યા હતા. આ બનાવની જાણના આધારે પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફે લગધીરસિંહના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી લીધી હતી.


