જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઇઝ 3 વિસ્તારમાં આવેલા કારખાનામાં સાંજના સમયે પિત્તળની ભઠ્ઠીમાં અચાનક બ્લાસ્ટ થતાં ચાર શ્રમિકો દાઝી ગયા હતા. ચારેય શ્રમિકોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક શ્રમિકની હાલત ગંભીર હોવાનું હોસ્પિટલના સૂત્રોમાંથી જાણવા મળે છે.
આ બ્લાસ્ટના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી ફેઇસ 3માં આવેલા શાંતિ મેટલ નામના બ્રાસપાર્ટના કારખાનામાં રવિવારે સાંજના સમયે પિત્તળની ભઠ્ઠીમાં શ્રીમકો કામ કરતાં હતા. તે દરમ્યાન અચાનક જ બ્લાસ્ટ થતાં કામ કરતાં ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ દાઝી ગયેલા શ્રમિકોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દાઝી ગયેલા શ્રમિકોમાં અનિલ રાજેશભાઇ કમલ (ઉ.વ.30), સંજય પાસમલ (ઉ.વ.36), વિજયકુમાર તેજપાલ (ઉ.વ.21) અને સોમપાલ (ઉ.વ.22)નો સમાવેશ થાય છે. આ ચાર પૈકીના વિજયકુમાર નામના શ્રમિક શરીરે ગંભીર રીતે દાઝી ગયો હોય જેથી તેની હાલત નાજૂક હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં પીઆઇ વી. જે. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા શ્રમિકોની પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


