જામનગર શહેરમાં વાહન અથડાવી સામેના વાહનચાલક પાસેથી પૈસા પડાવતી ટોળકી ફરી સક્રિય બની છે. શહેરના ગ્રીનસિટી વિસ્તારમાં આજે આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી ગઇ છે.
જામનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાસ કરીને શહેરના પોશ વિસ્તારોમાં સજ્જન વાહનચાલકો સાથે ઇરાદાપૂર્વક પોતાનું વાહન અથડાવી ત્યારબાદ તેની સાથે બોલાચાલી કરી, દાદાગીરી કરી, ધાકધમકી આપી, નુકશાની ખર્ચના બહાને પૈસા પડાવવાની અનેક ઘટનાઓ અગાઉ સામે આવી ચૂકી છે. જે પૈકી કેટલીક ઘટનાઓ અંગે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે અનેક ઘટનાઓની ફરિયાદ નોંધાવા પામી નથી. જે ફરિયાદ નોંધાઇ છે, તેના આધારે પોલીસે થોડા સમય પહેલાં આ પ્રકારના કૃત્યો આચરતી ગેંગના કેટલાંક સભ્યોને પકડી પાડયા હતા. તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ છેલ્લા કેટલાંક સમયથી શહેરમાં આવી ઘટના નોંધાઇ ન હતી. પરંતુ આજે ગ્રીનસિટી વિસ્તારમાં ધોળા દિવસે આ પ્રકારની ઘટના સામે આવતા વાહન અથડાવી પૈસા પડાવતી ગેંગ ફરીથી સક્રિય થઇ હોવાનું ફલિત થઇ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગ્રીનસિટી વિસ્તારમાં આજે બપોરબાદ એક વાહનચાલક સાથે એક મહિલાએ ઇરાદાપૂર્વક પોતાનું વાહન અથડાવ્યું હતું. ત્યારબાદ વાહનચાલક સાથે બોલાચાલી કરી વાહનમાં નુકશાન થયું હોવાનું જણાવી, પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાઇકચાલકે આ અંગે પોતાનો વાંક ન હોય, પૈસા આપવાને બદલે પોલીસને જાણ કરતાં પોલીસ બનાવના સ્થળે દોડી ગયાનું જાણવા મળ્યું છે.


