પીજીવીસીએલ દ્વારા સતત ત્રણ દિવસથી વીજચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ગઈકાલે ત્રીજા દિવસે જામનગર તથા દ્વારકા જિલ્લામાં વધુ રૂા.45.25 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી. ત્રણ દિવસમાં કુલ 1 કરોડ 45 લાખથી વધુની માતબર રકમની વીજચોરી ઝડપી લેવામાં આવી છે.
નવરાત્રિના પર્વ વચ્ચે પીજીવીસીએલ દ્વારા જામનગર શહેર જિલ્લા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વીજચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત ત્રણ દિવસથી વીજચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં ગઈકાલે પીજીવીસીએલની 47 જેટલી ટીમો દ્વારા ચાર લોકલ પોલીસ, 13 એસઆરપી તથા 18 એકસઆર્મીમેન સહિતના બંદોબસ્ત સાથે વીજચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં કાલાવડ તાલુકા, કાલાવડ ગ્રામ્ય વિસ્તારના મોટા વડાળા, મેઘપર, નિકાવા, જોડિયા ગ્રામ્ય, ઓખા મંડળના ઓખા શહેર, દ્વારકા શહેર, કલ્યાણપુર તાલુકાના ભાટીયા, રાવલ સહિતના વિસ્તારોમાં વીજચેકિંગ હાથ ધર્યુ હતું. જેમાં દ્વારકા સબ ડીવીઝનમાં 12 લાખ, ઓખા સબ ડીવીઝનમાં 6 લાખ સહિત જામનગર તથા દ્વારકા જિલ્લામાંથી કુલ 45.25 લાખની વીજચોરી ઝડપી લીધી હતી. કુલ 467 વીજ જોડાણો ચેક કરાયા હતાં. જે પૈકી 83 વીજજોડાણોમાંથી ગેરરીતિ ઝડપી લેવામાં આવી હતી.
આ ઉપરાંત આજે સવારથી જ પીજીવીસીએલ દ્વારા જામનગર શહેરના દરબારઢ, પાંચહાટડી સહિતના વિસ્તારોમાં વીજચેકીંગ હાથ ધર્યુ હતું. સતત ચોથા દિવસે પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ હાથ ધરાતા વીજચોરોમાં ફફડાટ ફેલાયો હતો.