દ્વારકા નજીક આજથી આશરે 25 વર્ષ પહેલાં વરવાળા ગામે આવેલા એક પેટ્રોલ પંપના સંચાલકોને પથ્થરના ઘા મારીને લૂંટ ચલાવવાના પ્રકરણમાં ફરાર એવા એક આરોપીને એલ.સી.બી. પોલીસે ખંભાળિયા પાસેથી ઝડપી લીધો હતો.
આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આજથી આશરે 25 વર્ષ પૂર્વે જામનગર જિલ્લાના દ્વારકા-ઓખા માર્ગ પર આવેલા વરવાળા ગામ પાસેના વી.એમ. બારાઈ પેટ્રોલ પંપમાં લૂંટારુઓએ પથ્થર મારો કર્યો હતો. અહીંથી લૂંટારુઓએ પેટ્રોલ પંપમાંથી મોટી રકમની લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા.
આ સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસથી ગુજરાત અને મધ્ય પ્રદેશ રાજ્યના જુદા જુદા વિસ્તારોના આરોપીઓ અંગેની મહત્વની માહિતી મેળવીને પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, લાખાભાઈ પિંડારિયા, પરેશભાઈ સાંજવા અને દિનેશભાઈ માડમને મળેલી બાતમીના આધારે મધ્યપ્રદેશ રાજ્યના જાંબુઆ જિલ્લાના કલ્યાણપુરા તાલુકાના મૂળ રહીશ એવા લુનિયા ઉર્ફે મહેશ બદીયા આદિવાસી ભીલ નામના શખ્સને ખંભાળિયા-ભાણવડ માર્ગ પર આવેલી કનૈયા કૃપા હોટલ પાસેથી દબોચી લીધો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે ગુનામાં આધારે અઢી દાયકાથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 10,000 નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. હાલ વધુ તપાસ અર્થે ઉપરોક્ત આરોપીનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, પી.જે. ખાંટ, એસ.એસ. ચૌહાણ, એસ.વી. કાંબલીયા, ભરતભાઈ ચાવડા, લાખાભાઈ પિંડારિયા, પરેશભાઈ, દિનેશભાઈ, હસમુખભાઈ અને વિશ્વદીપસિંહ દ્વારા કરવામાં આવી હતી.