Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવિરપુર ખાતેનું રઘુવંશી મહાસંમેલન બન્યું ઐતિહાસિક

વિરપુર ખાતેનું રઘુવંશી મહાસંમેલન બન્યું ઐતિહાસિક

સુસંગઠિત થઇને ગુજરાતના લોહાણા સમાજને એક તાંતણે જોડવો છે : જીતુ લાલ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલએ પદગ્રહણ કર્યા : ગુજરાતના ખુણે-ખુણેથી જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, 115 જેટલા લોહાણા મહાજનના પ્રમુખો, વિવિધ જ્ઞાતિ સંસ્થાના આગેવાનો સહિત રઘુવંશી ભાઇ-બહેનો હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં : વિશાળ મેદાન ટૂંકુ પડયું : વિરપુર જવાના માર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી

- Advertisement -

અખિલ ગુજરાત લોહાણા સમાજનું મહાસંમેલન તથા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતેન્દ્ર હરિદાસ લાલ (બાબુભાઈ લાલા)નો પદગ્રહણ સમારોહ સંત શિરોમણી પૂ.જલારામ બાપાની તપસ્વી અને પાવનભૂમિ પર યોજાયો હતો. આ પ્રસંગે સમગ્ર ગુજરાતભરના નાના-મોટા શહેરો/ગામોના લોહાણા સમાજના હોદ્દેદારો તથા વિવિધ જ્ઞાતિ સંસ્થાના અગ્રણીઓ અને જ્ઞાતિજનો ખાનગી મોટરકાર અને નાની- મોટી બસો મારફત હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતાં.

- Advertisement -

વિરપુરના જલારામધામના વિશાળ મેદાનમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના મહાસંમેલન તથા જીતુભાઈ લાલના પદગ્રહણ સમારોહના સમગ્ર કાર્યક્રમમાં વિરપુર લોહાણા મહાજને અમૂલ્ય સહયોગ આપ્યો હતો. આ સમારોહમાં વિરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂ.રસીકબાપાએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. તેઓનું ઢોલ – નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરના લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ, જીતુભાઈ લાલે પૂ રસીકબાપાને વંદન કરી આર્શિવાદ લીધા હતાં.

ગુજરાત રાજયના પ્રથમ કહી શકાય તેવા રઘુવંશી સમાજના આ ઐતિહાસીક મહાસંમેલનમાં અધ્યક્ષસ્થાન અખિલ ગુજરાત લોહાણા સમાજના નવનિર્વાચિત પ્રમુખ જીતુભાઈ લાલે સંભાળ્યું હતું. વિરપુર લોહાણા જ્ઞાતિની બાળાઓએ શુભ સ્વાગતમ સાથે સ્વાગત નૃત્ય રજુ કર્યું હતું.

- Advertisement -

હજારોની સંખ્યામાં ઉમટી પડેલા જ્ઞાતિજનો, આગેવાનો, ભાઈઓ-બહેનો તેમજ યુવા પેઢીથી સંમેલન સ્થળનું મેદાન હકડેઠઠ ભરાઈ ગયું હતું. મહાસંમેલનનો શુભારંભ વિરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂ.રસીકબાપા તેમજ વિવિધ મથકો પરથી પધારેલા રઘુવંશી સમાજના પ્રમુખો, અને જ્ઞાતિ સંસ્થાઓના પદાધિકારીઓ તેમજ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગ્ટય સાથે કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત લોહાણા સમાજના ચાર વર્ષ સુધી પ્રમુખપદે રહી વિદાય લઈ રહેલા પ્રમુખ ધનવાનભાઈ કોટકે સ્વાગત પ્રવચન કરી સમાજની છેલ્લા ચાર વર્ષની પ્રવૃતિઓનો અહેવાલ રજૂ કરતાં કહયું હતું કે, અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા પ્રમુખની વરણી માટે તા.24-05-2024 ના દિને સંકલન સમિતિમાં સર્વાનુમતે સમસ્ત હાલાર (જામનગર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લો) લોહાણા સમાજના પ્રમુખ તરીકે રહેલા જીતુભાઈ લાલની વરણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જીતુભાઈ લાલની પ્રમુખ તરીકે વરણી થવાથી સમગ્ર ગુજરાતના લોહાણા સમાજને એક સક્ષમ, સેવાભાવી અને સતત દોડતા કાર્યશીલ નેતા મળ્યા છે તેમણે જીતુભાઈ લાલને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા હતાં.

આ મહાસંમેલનની સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજની સાધારણ સભા પણ યોજવામાં આવી હતી. જેમાં સમાજના મંત્રી મગનભાઈ રૂપાવેલે રજુ કરેલો ગત સભાનો અહેવાલ અને ઠરાવ સર્વાનુમતે મંજુર થયા હતાં. અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ઠાકોરભાઈ ઠકકરે જીતુભાઈ લાલની સંસ્થાના પ્રમુખ તરીકે સત્તાવાર જાહેરાત કરી ત્યારે તાળીઓના ગડગડાટ, જય જલારામ, જય રઘુવંશના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું, આતશબાજી સાથે જીતુભાઈ લાલના પદગ્રહણને વધાવી લેવામાં આવ્યું હતું અને સાધારણ સભાની કાર્યવાહી પૂર્ણ થઈ હતી.

- Advertisement -

સમગ્ર ઘટના લોહાણા સમાજ માટે ઐતિહાસીક બની રહી હતી કારણ કે સંત શિરોમણી પૂ જલારામ બાપાની પાવન ભૂમિ ઉપર સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતમાંથી રઘુવંશીઓની ઉપસ્થિતી વચ્ચે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલને સંસ્થાના ધનવાનભાઈ કોટક, ઠાકોરભાઈ ઠકકકર, મગનભાઈ રૂપાવેલ, રશૈલેષભાઈ સોનપાલ, પ્રવિણભાઈ ઠકકર અને યોગેશભાઈ ઉનડકટે નવા પ્રમુખ જીતુભાઈ લાલને વિધિવત કાર્યભાર સુપ્રત કર્યો હતો.

એ પછી મહાસંમેલનનો વિધિવત આરંભ થયો હતો. જેમાં પ્રથમ વકતા તરીકે લોહાણા સમાજના યુવા નેતા પાર્થભાઈ કોટેચાએ જીતુભાઈ લાલને અભિનંદન સાથે જણાવ્યું હતું કે તેમનામાં નવું કરવાની દ્રષ્ટિ અને સૌને સાથે રાખવાની શકિત છે. સમાજના યુવા વર્ગ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના સંદર્ભમાં જીતુભાઈ લાલ જરૂરી સુચનાઓ ઉપલબ્ધ કરાવે તો યુવાનો ઉચ્ચ પદ મેળવી શકે. રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઈ પોબારૂએ ઉદબોધનમાં પૂ.જલારામ બાપાના આર્શિવાદ જીતુભાઈ પર સદાય વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી અને જ્ઞાતિ હિતના તમામ કાર્યોમાં સક્રિય સહયોગની ખાત્રી આપી હતી.

જુનાગઢ મહાનગરપાલીકાના ડેપ્યુટી મેયર અને સમાજના અગ્રણી ગિરીશભાઈ કોટેચાએ સૌ પ્રથમ તો જલારામ બાપાની પાવન ભૂમિનું સ્થળ પસંદ કરવા બદલ જીતુભાઈ લાલને અભિનંદન આપ્યા હતાં. જીતુભાઈને અનેક સંસ્થાઓમાં વિવિધ ઉચ્ચ પદ પર રહી સેવા કાર્યો કરવાનો અનુભવ છે, તેથી પ્રમુખ તરીકેની તેમની પસંદગીનો નિર્ણય ઉતમ નિર્ણય ગણાવ્યો હતો અને જીતુભાઈ લાલ તેમજ અશોક્ભાઈ લાલ અને લાલ પરિવારના સેવાકાર્યોને બિરદાવી અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.

હાલાર લોહાણા સમાજના અગ્રણી તેમજ જામનગરના લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે નવા પ્રમુખ પાસે સમાજને ઘણી અપેક્ષાઓ છે, જીતુભાઈને તેના કરતાં દસ ગણા કાર્યો કરે તેવું સુચન કર્યું હતું તેઓએ રાજકીય ક્ષેત્રનો આડકતરો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે અગાઉ ગુજરાતમાં લોહાણા સમાજના ચાર ધારાસભ્યો હતાં અને તેમાંથી ત્રણ મંત્રી હતાં જયારે અત્યારે સમગ્ર ગુજરાતમાં એક માત્ર ધારાસભ્ય આપણા સમાજના છે. લોહાણા સમાજ શક્તિશાળી અને સક્ષમ છે. ગુજરાતમાં 25 લાખ, દેશમાં પાંચ લાખ અને વિદેશોમાં પાંચ લાખ મળી કુલ 35 લાખ લોહાણા જ્ઞાતિજનોની વસ્તી છે.

તેઓએ વધુમાં કહયું હતું કે આપણા રઘુવંશી સમાજે સંગક્રીત થવું જરૂરી છે અને સમાજ એકતા બતાવશે તો જરૂર સારા દિવસો આવશે. આપણો સમાજ દૂધમાં સાકર ભળી જાય તેવો સમાજ છે. અંદરો અંદર સહયોગ-સહકારની ભાવના વધારવી પડશે. અત્યારે ગૌરવ લેવા જેવી બાબત એ છે કે રાજયમાં લોહાણા જ્ઞાતિના 300 જેટલા અધિકારીઓ નાના-મોટા સ્થાન પર ફરજ બજાવી રહ્યા છે લોહાણા સમાજના કોઈપણ વ્યક્તિને જયારે પણ જરૂર પડે તો સમાજે તેની મદદ કરવા આગળ આવવું પડશે તેમ કહી અશોકભાઈ લાલે ખૂબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે સમાજના કોઈપણ કામ માટે કોઈપણ સમયે તન-મન-ધનથી સાથે જ છું.

જુનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂએ પૂર્વમંત્રી બાબુભાઈ સાથેના સંસ્મરણો તાજા કર્યા હતાં. તેમણે જીતુભાઈ લાલની પસંદગીને અતિ યોગ્ય ગણાવી અભિનંદન પાઠવ્યા હતાં. સમાજની સેવા કરવાના જલારામબાપા શકિત આપે અને હંમેશા સારા કર્યો કરતા રહે તેવી પ્રાર્થના કરી હતી.

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે આજનો પ્રસંગ એક અનોખો પ્રસંગ છે, અહીં અનેરા ઉત્સાહના દર્શન થયા છે. સમાજને જીતુભાઈ પાસે ઘણી અપેક્ષા છે અને તેઓ પૂર્ણ કરશે તેવો વિશ્વાસ પણ છે. જીતુભાઈ અને લાલ પરિવારના સેવા કાર્યોથી સૌ પરિચીત છીએ તેમણે જીતુભાઈ પ્રમુખપદે ખુબ સફળ થાય તેવી શુભેચ્છા આપી હતી. વધુમાં તેઓએ કહયું હતું કે અત્યારે જ્ઞાતિવાદ વિસ્તર્યો છે દરેક જ્ઞાતિ સંગઠીત થઈ રહી છે ત્યારે આપણે પણ આપણા સંગકનની શક્તિ બતાવવાનો સમય આવી ગયો છે. જીતુભાઈ પણ સતત સેવાકાર્યોમાં પોતાના પિતાની જેમ જ કાર્યશીલ રહયા છે તેમણે જીતુભાઈને ગુજરાતના મોટા શહેરોમાં લોહાણા જ્ઞાતિના યુવાનો તથા બહેનો માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવા સૂચન કર્યું હતું.

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ખુબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અત્યારનો યુગ તલવાર યુધ્ધનો નથી, અત્યારે તો તમે કેટલી સંખ્યા ભેગા કરી શકો છો તે જ તમારી સાચી શકિત છે. રાજકિય પક્ષોએ પણ તે જ્ઞાતિ સમાજ પ્રત્યે ધ્યાન દેવું જ પડે છે. આપણો સમાજ આજે એક થયો છે અને વિરાટ એકતા દર્શાવી છે તેમ કહી જણાવ્યું હતું કે આંતરિક ખેંચતાણ બંધ કરી. સમાજની વ્યક્તિને મદદ કરજો, પણ પાડી દેવાનું કામ ન કરતાં. આપણા સમાજના લોકો કોઈપણ પરિસ્થીતીમાં હાથ લાંબો નહીં કરે તેથી આપણે જ તપાસ કરીને મદદ કરવી પડશે તેઓએ જીતુભાઈ લાલને અભિનંદન આપતાં જણાવ્યું કે જીતુભાઈ તો હાલારનો સિંહ છે, સક્ષમ છે. મને વિશ્વાસ છે કે સૌને સાથે રાખીને સમાજને આગળ વધારશે

આ અવસરે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખનો પદભાર સંભાળનાર જીતુભાઈ લાલે અધ્યક્ષ સ્થાનેથી ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે આજે ગુજરાતના ખુણે-ખુણેથી આપણા સમાજના લોકો પધાર્યા છે. ઈતિહાસમાં આટલી મોટી સંખ્યામાં અને તે પણ જલારામબાપાની ભૂમિ પર એકત્ર થયા છે તે ઐતિહાસીક પ્રસંગ બન્યો છે.

તેમણે લોહાણા સમાજની શક્તિ અંગે જણાવ્યું કે લોહાણા ધારે તો એક લાખ એકઠાં થઈ જાય, પણ વિરપુરવાસીઓને અને જલારામ ભક્તોને તકલીફ ન પડે તેવું આયોજન કર્યું છે. સમગ્ર ગુજરાતના લોહાણા શાતિની સૌથી મોટી સંસ્થાના પ્રમુખ બનવાનો અવસર મળ્યો છે ત્યારે મને મારા માતા-પિતા અને વડીલ બંધુ તેમજ પૂ.જલારામ બાપાના આર્શિવાદ મળ્યા છે.

ગુજરાતમાં અત્યારે લોહાણા સમાજની બે મુખ્ય સંસ્થાઓને કાયદાકિય પ્રક્રિયા મુજબ એક કરવાની નેમ છે અને તેમાં અડચણ આવશે તો સમગ્ર ગુજરાતમાં સૌને એક તાતણે બાંધવા આ સંસ્થાને નવું નામ આપવાની દિશામાં આગળ વધવું પડશે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલારમાં લોહાણા સમાજમાં અદભૂત એકતા છે તેવી જ એકતા હાલના સમગ્ર ગુજરાતના લોહાણા સમાજમાં જાગૃત કરવી છે, સમાજને એક કરીને જ જંપીશ. છગનબાપાએ રચેલી વૈશ્વિક સંસ્થા લોહાણા મહાપરીષદ વર્ષોથી કાર્યરત છે તેવી જ રીતે ગુજરાતમાં એક જ સંસ્થા બને તેવી આશા છે.

આપણા સમાજના વડીલો ભેગા થાય અને સમાજમાં નવી અને યુવા ટીમ બનાવે. લોહાણા મહાપરીષદની અનેક લાભદાયી યોજનાઓ જ્ઞાતિજનો માટે છે તેનો લાભ સૌને મળે તેવા કાર્યક્રમો કરવા છે. તેઓએ રાજયભરના લોહાણા મહાજનોને અનુરોધ કર્યો હતો કે યુવાનોને અને સમાજને સાથે રાખો, નહિંતર જગ્યા કરી આપો, સમાજની સંસ્થાઓ અને હોદ્દેદારોએ હવે પરિવર્તન લાવવાની જરૂર છે.

લોહાણા સમાજના યુવાઓ અને ઉચ્ચ અધિકારી બને તે માટે સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે તાલીમની સુવિધા ઉપલબ્ધ કરાવશું. જ્ઞાતિમાં સગપણ વિષયક ક્ષેત્રે પણ સમશ્યાઓ ન રહે તે દિશામાં પ્રવૃત્તિ કરશું.

તેમણે ખુબ જ ભાવપૂર્વક અને ભારપૂર્વક જણાવ્યું હતું કે સંગકીત થઈને ગુજરાતને એક તાંતણે વિશ્વ સાથે જોડવું છે. લોહાણા સમાજમાં સૌ સમર્પણની ભાવના સાથે એક થઈને કામ કરે તેવી અપીલ કરી હતી. તેમણે કહયું કે હું ઉતાવળમાં નહીં, મજબુતાઈમાં માનું છું. સમાજનો જે અભૂતપૂર્વ ઉત્સાહ સાથેનો આ જે માહોલ છે તે જ દર્શાવે છે કે આપણો સમાજ હવે સતત દોડવાનો છે.

ઉદબોધનના અંતે જીતુભાઈ લાલે ઉપસ્થિત જનમેદની પાસે સૌ સાથે મળીને સમાજ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરશું તેવા સામૂહિક શપથ લેવડાવ્યા પછી સૌનો આભાર માનવા સાથે આ આયોજન માટે ઉમદા સહયોગ આપનાર વિરપુર લોહાણા મહાજનના પ્રમુખ પૂ. રસીકબાપા તેમજ ઉપપ્રમુખ નરેશભાઈ ચાંદ્રાણી સહિત ટીમનો આભાર માન્યો હતો.

સમારોહમાં ઉપસ્થિત વિવિધ શહેરોના લોહાણા સમાજના પ્રમુખો, આગેવાનો તેમજ જ્ઞાતિ સંસ્થાઓના હોદેદારો વિગેરેએ જીતુભાઈ લાલનું આ અવસરે અભિવાદન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહના અંતે અખિલ ગુજરાત લોહાણા સમાજના તત્કાલીન ખજાનચી શૈલેષભાઈ સોનપાલે આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જામનગરના ગિરીશભાઈ ગણાત્રા, નિલેશભાઈ પાબારી તથા અજયભાઈ કોટેચાએ કર્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular