જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા બુરહાની પાર્ક વિસ્તારમાંથી સાડા સાત લાખની કિંમતના ટ્રક ચોરીના બનાવમાં પોલીસે સીસીસીટીવી ફુટેજના આધારે હાપા યાર્ડ રોડ પરથી બે શખ્સોને ચોરાઉ ટ્રક સાથે દબોચી લીધા હતાં.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા બુરહાની પાર્ક વિસ્તારમાં અબ્બાસભાઈ અબ્બાહસન મસ્કતી એ તેનો ટ્રક બુરહાની પાર્ક નજીક પાર્ક કર્યો હતો. તે દરમિયાન આરસીબુક- પીયુસી અને પરમીટ સહિતના દસ્તાવેજો રાખેલો જીજે-10-એકસ-9394 નંબરનો ટ્રક કોઇ તસ્કરો ચોરી કરી ગયા હતાં. આ બનાવ અંગેની ફરિયાદના આધારે પીઆઈ એમ.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ ડી.ડી. રામાનુજ તથા હેકો શૈલેષભાઈ ઠાકરીયા અને પો.કો. હિતેશભાઇ સાગઠીયા સહિતનાસ્ટાફે તપાસ દરમિયાન સીસીટીવી ફુટેજના આધારે હેકો શૈલેષભાઈ ઠાકરીયા અને હિતેશભાઈ સાગઠીયાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ચક્રો ગતિમાન કર્યા હતાં અને પોલીસે હાપા યાર્ડ રોડ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ચોરાઉ ટ્રક પસાર થતા પોલીસે સબીર ઈકબાલ છત્રા (રહે. મોરકંડા રોડ) અને ફારુક ઉર્ફે જમાલ સલીમ મૈણ (રહે. રાજકોટ) નામના બે તસ્કરોને દબોચી લઇ ચોરાઉ ટ્રક કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે ઝડપેલા આરોપી ફારુક ઉર્ફે જમાલ મૈણ નામના તસ્કર સામે રાજકોટના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં પાંચ ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ગુનો બંને તસ્કરોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.